Archive for the ‘અધ્યાય ૧૪૮ – ૧૫૩’ Tag

ભક્તોના અભિમાનનો ભંગ (૨) : ભીમ

આ કથાની શરૂઆત ત્યાંથી થાય છે જ્યારે પાંડવો દ્યૂત ક્રીડામાં પોતાનું રાજ ખોઈ બેઠાં હતા અને ૧૩વર્ષનો વનવાસ તથા ૧ વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો હતો. અનેક તીર્થ અને વનમાંથી પસાર થતાં પાંડવો બદરીકાશ્રમ પહોચ્યા.

ततः पूर्वोत्तरे वायुः प्लवमानो यदृच्छया।
सहस्रपत्रमर्काभं दिव्यं पद्ममुपाहरत् ।।

દૈવ યોગે ઇશાન ખૂણામાંથી એક સહસ્ત્ર દળનું દિવ્ય અને સૂર્ય સમાન પ્રકાશિત કમળ ત્યાં ઉડીને આવ્યું . આ કમળની ગંધ અત્યંત અદ્વિતીય અને મનોરમ્ય હતી. દ્રૌપદીની નજર એ પુષ્પ પર પડી અને પ્રસન્ન થઇ ભીમસેનને કહ્યું

इदं च धर्मराजाय प्रदास्यामि परंतप।
‘गृह्यापराणि पुष्पाणि बहूनि पुरुषर्षभ’।
हरेरिदं मे कामाय काम्यके पुनराश्रमे ।।

“હું આવું પુષ્પ ધર્મરાજને ભેટ ધરવા માંગુ છું , જો તમે મને હૃદયથી પ્રેમ કરતાં હોય તો મને આવા અનેક પુષ્પ લાવી આપો જે હું કામ્ય વનમાં આપણાં આશ્રમમાં વાવીશ ”

દ્રૌપદીની ઈચ્છા પૂરી કરવા ભીમ જે દિશામાંથી એ કમળ ઉડીને આવ્યું હતું તે તરફ જેવા નીકળ્યાં . ઘણો પ્રવાસ કર્યા બાદ તે ગન્ધમાદન પર્વતની ટોચ ઉપર પહોચ્યાં . જ્યાં એક અતિ દિવ્ય વન છે . અહીં અનેક મહર્ષિ, બ્રહ્મર્ષિ અને સપ્તર્ષિનો વાસ છે . આ માર્ગથી મનુષ્ય સદેહે સ્વર્ગમાં જઈ શકે છે . રામ ભક્ત હનુમાનજી પણ આ વનમાં રહે છે . ભીમ હનુમાનજીનાં ભાઈ થાય કારણ કે બંન્ને પવન દેવના પુત્ર છે . ભીમની પરીક્ષા કરવા તેઓ સ્વર્ગ તરફનો એક સાંકડો માર્ગ રોકી , પોતાની પુંછ વધારી બેસી ગયાં.

स भीमसेनस्तच्छ्रुत्वा संप्रहृष्टतनूरुहः।
शब्दप्रभवमन्विच्छंश्चचार कदलीवनम् ।।

ભીમને પોતાની તરફ આકર્ષવા , હનુમાનજી ભીષણ સિંહગર્જના કરતા હતાં અને તે ગર્જના નો ઘોષ આ પર્વતમાં દરેક સ્થાન પર પ્રસરતો હતો . આ ગર્જનાથી દસ હજાર હાથીઓનું બળ ધરાવનાર મહાબળી ભીમનાં રુંવાટા ઉભા થઇ ગયા અને તે એ ગર્જનાનું કારણ શોધવા એક બગીચામાં અંદર આવી ઘુમવા લાગ્યો . ત્યાં એની નજર હનુમાનજી પર પડી.

तं वानरवरं धीमानतिकायं महाबलम्।
स्वर्गपन्थानमावृत्य हिमवन्तमिव स्तितम् ।।

હનુમાનજીનું શરીર બહારથી અત્યંત કૃષ્ટ પણ મહાબળવાન હતું અને તે સ્વર્ગનો રસ્તામાં એવી રીતે બેઠાં હતા જાણે હિમાલય પર્વત સ્થિર હોય. પોતાના બળના અભિમાનમાં અને હનુમાનજીને એકલાં બેઠેલા જોઈ , ભીમ એમની સમક્ષ જઈ સિંહનાદ કરવા લાગ્યો જેનાથી એ વનનાં સેર્વ પશુ અને પક્ષી ભયભીત થઇ ઉઠ્યાં . એને આશા હતી કે એ વાનર પણ ભયભીત થઇ ઉઠશે. પણ

हनूमांश्च महासत्व ईषदुन्मील्य लोचने।
दृष्ट्वा तमथ सावज्ञं लोचनैर्मधुपिङ्गलैः ।।

હનુમાનજી બહુ ધીરેથી પોતાના લોચન અર્ધ-બંધ અવસ્થામાં બહુ ધીરેથી ખોલ્યા , ઉપેક્ષા પૂર્વક ભીમની સામે જોયું અને સ્મિત સાથે પોતાની તરફ આવવાનો ઈશારો કર્યો . હનુમાનજી કહે છે :

किमर्थं सरुजस्तेऽहं सुखसुप्तः प्रबोधितः।
ननु नाम त्वया कार्या दया भूतेषु जानता ।।
वयं धर्मं न जानीमस्तिर्यग्योनिमुपाश्रिताः।
नरास्तु बुद्धिसंपन्ना दयां कुर्वन्ति जन्तुषु ।।

“હે ભાઈ , હું રોગી છું , અહી આનંદથી પડ્યો રહ્યો છું , તો કયા કારણસર તે મને જગાડ્યો . તું તો સમજદાર દેખાય છે અને તારે તો જીવો પર દયા કરવી જોઈયે . તો તારી પ્રવૃત્તિ ધર્મને નાશ કરનારી તથા મન , વાણી અને શરીરને દુષિત કરનાર કર્મોમાં કેમ છે ?”

ब्रूहि कस्त्वं किमर्थं वा किमिदं वनमागतः।
वर्जितं मानुषैर्भावैस्तथैव पुरुषैरपि ।।
क्व च त्वयाऽद्यगन्तव्यं प्रब्रूहि पुरुषर्षभ।
अतः परमगम्योऽयं पर्वतः सुदुरारुहः ।।

તું કોણ છે અને કયા કારણસર આ વનમાં ઘૂમી રહ્યો છે ? આ સ્થળે મનુષ્યનો કોઈ પણ (શારીરિક કે માનસિક) ભાવ કે સ્વયં મનુષ્ય અહી આવવા માટે સર્વદા નિષેધ છે . અહી આગળ તારે ક્યા સુધી જવાનું છે ? અહી આગળનો માર્ગ અગમ્ય અને સર્વ માટે ચઢવા માટે અશક્ય છે .

विना सिद्धगतिं वीर गतिरत्र न विद्यते।
देवलोकस्य मार्गोऽयमगम्यो मानुषैः सदा
भक्षयित्वा निवर्तस्व मा वृथा प्राप्स्यसे वधम्।
ग्राह्यं यदि वचो मह्यं हितं मनुजपुङ्गव ।।

સિદ્ધો જેવી ગતિ અને શક્તિ પ્રાપ્ત ના હોય તો ત્યાં કોઈ પણ વીર ના જઈ શકે . દેવલોક (સ્વર્ગ)નો માર્ગ મનુષ્ય માટે સદા અગમ્ય (નિષિદ્ધ) છે . અગર મારી સલાહ માનો તો અહીંથી આગળ ના જઈશ , શા સારું વ્યર્થ પ્રાણ ઉપર સંકટ નાખવું ?

ભીમ આ સાંભળી થોડો રાતો-પીળો થઇ ગયો પરંતુ સંયમ રાખી પ્રશ્ન પૂછ્યો :

को भवान्किंनिमित्तं वा वानरं वपुराश्रितः।
ब्राह्मणानन्तरो वर्णः क्षत्रियस्त्वाऽनुपृच्छति ।।

આપ કોણ છો અને કયા કારણસર આ વાનર દેહ ધારણ કર્યો છે ? તમે બ્રાહ્મણ વંશજ છો કે ક્ષત્રિય ધર્મને પાળો છો ? અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું :

कौरवः सोमवंशीयः कुन्त्या गर्भेण धारितः।
पाण्डवो वायुतनयो भीमसेन इति श्रुतः ।।

કુરુ વંશજ , અને સોમ વંશમાં જન્મેલ , માતા કુંતી અને પવન દેવનો પુત્ર પાંડવ નામે વિખ્યાત હું “ભીમસેન” છું .

वानरोऽहं न ते मार्गं प्रदास्यामि यथोप्सितम्।
साधु गच्छ निवर्तस्व मा त्वं प्राप्स्यसि वैशसम् ।।

હનુમાનજી કહે છે ” હું તો વાનર છું અને જે માર્ગે તું જેવા માંગે છે તે માર્ગે તો હું તને જેવા નહિ દઉં। તારી ભલાઈ એમાં છે કે જ્યાંથી તું આવ્યો હતો ત્યાંથી તું પાછો જતો રહે નહિ તો તું જીવિત નહિ બચે”

હવે ભીમ ક્રોધે ભરાયો અને કહ્યું :

वैशसं वाऽस्तु यद्वान्यन्न त्वां रपृच्चामि वानर।
प्रयच्छ मार्गमुत्तिष्ठ मा मत्तः प्राप्स्यसे व्यथाम् ।।

હું જીવું કે મરું એ વિષય માટે હું તમારી સલાહ નથી માંગતો। મને માત્ર ઉભા થઇ અહીંથી જેવાનો માર્ગ આપો.

હનુમાનજી કહે છે:

नास्ति शक्तिर्ममोत्थातुं जरया क्लेशितो ह्यहम्।
यद्यवश्यं प्रयातव्यं लङ्घयित्वा प्रयाहि माम् ।।

હું તો રોગથી પીડિત છું. જો તને માર્ગ જોઈતો હોય તો મને ઓળંગીને જરૂરથી જઈ શકે છે. ભીમ હવે અત્યંત ક્રોધિત થઇ કહે છે કે

यद्यागमैर्न विद्यां च तमहं भूतभावनम्।
क्रमेयं त्वां गिरिं चैव हनीमानिव सागरम् ।।

હું વીર છું અને જો મને શાસ્ત્રોનું જ્ઞાન ના હોત તો તમને શું પણ આ પર્વતને ઓળંગીને પાર કરી ગયો હોત જેમ હનુમાનજીએ એક છલાંગ માં સો જોજન સમુદ્ર પાર કર્યો હતો. (અહી સમજવાનું એ છે કે શાસ્ત્રો અનુસાર દરેક મનુષ્યમાં પરમાત્મા વસે છે અને જો તમે એ મનુષ્યને ઓળંગીને જાવ તો તેમાં તે પરમાત્માનું અપમાન થાય છે) અને પોતાનાં બળના અભિમાનમાં કહે છે:

स मे भ्राता महावीर्यस्तुल्योऽहं तस् तेजसा।
बले पराक्रमे युद्धे शक्तोऽहं तव निग्रहे ।।
`इमं देशमनुप्राप्तः कारणेनास्मि केनचित्।’
उत्तिष्ठ देहि मे मार्गं पश्य मे चाद्य पौरुषम्।
मच्छासनमकुर्वाणं त्वां वा नेष्ये यमक्षयम् ।।

હું બળ, પરાક્રમ અને તેજમાં હનુમાનજી જેવો છું . આથી ઉભા થઇ મને માર્ગ આપી દો અને મારી આજ્ઞાનું ઉલ્લધન કરશો તો હું તમને જરૂરથી યમપુરી મોકલી આપીશ. હનુમાનજી ભીમની આ બઢાઈ પર મનમાં હસ્યા અને એને વિનંતી કરી:

प्रसीद नास्ति मे शक्तिरुत्थातुं जरयाऽनघ।
ममानुकम्पया त्वेतत्पुच्छमुत्सार्य गम्यताम् ।।

હે શક્તિશાળી , તું ક્રોધ ના કરીશ . વૃદ્ધાવસ્થાને લીધે મારામાં શક્તિ નથી રહી . એટલે કૃપા કરી મારી પુંછ ખસેડીને તારો માર્ગ કાઢ.

सावज्ञमथ वामेन स्मयञ्जग्राह पाणिना।
न चाशकच्चालयितुं भीमः पुच्छं महाकपेः ।।
उच्चिक्षेप पुनर्दोर्भ्यामिन्द्रायुधमिवोच्छ्रितम्।
नोद्धर्तुमशकद्भीमो दोर्भ्यामपि महाबलः ।।

ભીમ આ વાત સાંભળી તુચ્છતાથી હસ્યો અને હનુમાનજીની અવજ્ઞા કરી એક હાથથી પુંછ ખસેડવાનો પ્રયત્ન કર્યો . પરંતુ પુંછ ટસ થી મસ ના થઇ . પછી તેણે બે હાથ વડે પુંછને ખસેડવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં પણ અસફળ રહ્યો . તેને પોતાની બધી તાકાત આ કાર્યમાં લગાવી પણ તેને નામોશી ભરી હાર મળી અને બહુ ગ્લાની થઇ ગયો.

प्रणिपत्य च कौन्तेयः प्राञ्जलिर्वाक्यमब्रवीत्।
प्रसीद कपिशार्दूल दुरुक्तं क्षम्यतां मम ।।
सिद्धो वा यदि वा देवो गन्धर्वो वाऽथ गुह्यकः।
पृष्टः सन्को मया ब्रूहि कस्त्वं वानररूपधृत् ।।

ભીમ અત્યંત લજ્જિત થઇ હનુમાનજીને બે હાથ જોડી પ્રણામ કરી બોલ્યો: ” હે વાનર શ્રેષ્ઠ , મે જે કટુ વચન બોલી આપનું અપમાન કર્યું છે તે બદલ મને ક્ષમા કરો . આ વાનરનું રૂપ ધારણ કરનાર , આપ કોઈ સિદ્ધ , દેવ, ગંધર્વ કે ગુહ્યક છો ? મને તમારો પરિચય આપો .

अहं केसरिणः क्षेत्रे वायुना जगदायुषा।
जातः कमलपत्राक्ष हनूमान्नाम वानरः ।।

હનુમાનજી કહે છે ” હે કમલનયન ભીમ , હું વાનરરાજ કેસરીના પ્રદેશનો , સમસ્ત જગતને પ્રાણથી સંપન્ન કરનાર વાયુનો પુત્ર હનુમાન નામનો વાનર છું”

ततः प्रतिष्ठितो राज्ये रामो नृपतिसत्तमः।
वरं मया याचितोऽसौ रामो राजीवलोचनः ।।
यावद्रामकथेयं ते भवेल्लोकेषु शत्रुहन्।
तावज्जीवेयमित्येवं तथाऽस्त्विति च सोब्रवीत् ।।
सीताप्रसादाच्च सदा मामिहस्थमरिंदम।
उपतिष्ठन्ति दिव्या हि भोगा भीम यथेप्सिताः ।।
तदिहाप्सरसस्तात गन्धर्वाश्च सदाऽनघ।
तस्य वीरस्य चरितं गायन्त्यो रमयन्ति माम् ।।

ભગવાન શ્રી રામના રાજ્યભિષેક વખતે મેં ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે ” હે શત્રુમદન જ્યાં સુધી આ પૃથ્વી પર આપની પવિત્ર કથા રહે ત્યાં સુધી હું જીવિત રહું ” સીતા માતાની કૃપાથી મને અહીં રહીને દિવ્ય ભોગોની પ્રાપ્તિ થાય છે . ગંધર્વ અને અપ્સરા આ પર્વત પર તેમના વિવિધ ચરિત્રોની કથા કરી મને આનંદ આપતાં રહે છે.

अयं च मार्गो मर्त्यानामगम्यः कुरुनन्दन।
ततोऽहं रुद्धवान्मार्गं तवेमं देवसेवितम् ।
`त्वामनेन पथा यान्तं यक्षो वा राक्षसोपि वा’।
धर्षयेद्वा शपेद्वाऽपि मा कश्चिदिति भारत ।
दिव्यो देवपथो ह्येष नात्र गच्छन्ति मानुषाः।
यदर्थमागतश्चासि अत एव सरश्च तत् ।।

હે અનઘ (નિષ્પાપ) આ માર્ગ પર દેવતાઓનો નિવાસ છે અને મનુષ્ય માટે અગમ્ય છે . આથી મેં રોકી રાખ્યો હતો . જો તું આ માર્ગથી પસાર થયો હોત તો કોઈ તારો તિરસ્કાર કરત અને તને શ્રાપ પણ આપત કારણકે આ માર્ગ દેવોનો છે . અહી મનુષ્યની ગતિ નથી . તને જે સરોવર તરફ જવું છે તે નજીકમાં પેલી તરફ છે .

एष पन्थाः कुरुश्रेष्ठ सौगन्धिकवनाय ते।
द्रक्ष्यसे धनदोद्यानं रक्षितं यक्षराक्षसैः ।।
न च ते तरसा कार्यः कुसुमापचयः स्वयम्।
दैवतानि हि मान्यानि पुरुषेण विशेषतः ।।

હે કુરુશ્રેષ્ઠ સામે આ માર્ગ ઉપર સૌગન્ધિક વન છે . ત્યાં યક્ષ અને રાક્ષસોથી સુરક્ષિત કુબરેનો બગીચો મળશે . ત્યાં જઈ તું પોતે પુષ્પ ચયન ના કરતો , મનુષ્યોએ દેવોનું વિશિષ્ઠ રૂપે સન્માન કરવું જોઇયે .

ભીમસેન ગદગદ થઇ ગયાં અને તેનાં અભિમાનનો સંપૂર્ણ રીતે નાશ થયો . એણે હનુમાનજીને કહ્યું

मत्तो धन्यतरो नास्ति यदार्यं दृष्टवानहम् ।
अनुग्रहो मे सुमहांस्तृप्तिश्च तव दर्शनात्।

આજે હું ધન્ય બની ગયો , આજે મેં મારા જ્યેષ્ઠ બંધુના દર્શન કર્યા અને આપની કૃપા પ્રાપ્ત થઇ . આપના દર્શનથી હું આજે અત્યંત સુખી થઇ ગયો .

ત્યાર બાદ ભીમે યુગોના સબંધી પ્રશ્નો પૂછ્યા જેનો હનુમાનજીએ સંતુષ્ટ ઉત્તર આપ્યાં  અને વિનંતી કરી કે ત્રેતાયુગનાં સમયમાં સમુદ્રલંઘન વખતે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું તે જોવા માંગે છે . હનુમાનજીએ એ દિવ્ય કપિ રૂપનું પણ દર્શન કરાવ્યું . છેવટે છુટા પડતી વખતે હનુમાનજીએ આશીર્વાદ આપતા કહ્યું

इहस्थश्च कुरुश्रेष्ठ न निवेद्योस्मि कस्यचित्।
धनदस्यालयाच्चापि विसृष्टानां महाबल ।।

હે ભ્રાતા , ક્યારે પણ કોઈ ચર્ચા થતી હોય ત્યારે તું મારું સ્મરણ કરજે અને હું ત્યાં હાજર થઇ જઈશ અને આ વાત કોઈને કરતો નહીં.

भ्रातृत्वं त्वं पुरस्कृत्य वरं वरय भारत।
यदि तावन्मया क्षुद्रा गत्वा वारणसाह्वयम् ।

હવે મારાં દર્શનના લીધે તને કોઈ ફળ પ્રાપ્ત થવું જોઈએ અને ભાઈને નાતે મારે તને કોઈ વરદાન આપવું છે , આથી કઈ માંગી લે .

धार्तराष्ट्रा निहन्तव्या यावदेतत्करोम्यहम्।
शिलया नगरं वा तन्मर्दितव्यं मया यदि ।।
बद्ध्वा दुर्योधनं चाद्य आनयामि तवान्तिकम्।
यावदेतत्करोम्यद्यकामं तव महाबल ।।

જો તારી ઈચ્છા હોય તો હું હસ્તિનાપુર જઈ ધ્રુતરાષ્ટ્રના પુત્રોને મારી નાખું અને કહે તો એ નગરને શીલાઓ નાખીને નષ્ટ કરી નાખું . અથવા હમણાં દુર્યોધનને બાંધીને તારી સામે લઇ આવું . હે મહાબલ ,તારી જે કોઈ ઈચ્છા હશે તે હું પૂર્ણ કરીશ.

ભીમસેન પ્રસન્ન થઇ હનુમાનજીને કહ્યું

सनाथाः पाण्डवाः सर्वे त्वया नाथेन वीर्यवन्।
तवैव तेजसा सर्वान्विजेष्यामो वयं परान् ।।

બસ આપની દયાદ્રષ્ટિ બની રહે .તમે અમારા રક્ષક બનો અને પાંડવો સનાથ બની જશે . આપના પ્રતાપથી અમે શત્રુઓને જીતી લેશું , બસ મારી આ જ ઈચ્છા છે .

હનુમાનજીએ આશીર્વાદ આપતાં કહ્યું

एवमुक्तस्तु हनुमान्भीमसेनमभाषत।
भ्रातृत्वात्सौहृदाच्चैव करिष्यामि प्रियं तव ।।
चमूं विगाह्य शत्रूणां परशक्तिसमाकुलाम्।
यदा सिंहरवं वीर करिष्यसि महाबल ।।
तदाहं बृंहयिष्यामि स्वरवेण रवं तव।
`यं श्रुत्वैव भविष्यन्ति व्यसवस्तेऽरयो रणे’ ।।
विजयस्य ध्वजस्थश्च नादान्मोक्ष्पामि दारुणान्।
शत्रूणां ये प्राणहराः सुखं येन हनिष्यथ ।।

ભાઈ અને સુહ્રદય હોવાને કારણે હું તારું પ્રિય કરીશ . જે સમયે તું શક્તિ અને બાણોથી વ્યાપ્ત થઇ શત્રુની સેનામાં ઘુસીને સિંહનાદ કરશો ત્યારે હું મારા શબ્દથી તારી એ ગર્જનાને એટલી વધારી દઈશ કે શત્રુઓના પ્રાણ સુકાઈ જશે અને તેમને મારવામાં તને સુગમતા રહેશે। હું અર્જુનના રથની ધ્વજામાં બેસી એવી ભીષણ ગર્જના કરીશ.

આટલું કહી , આગળનો માર્ગ દેખાડી હનુમાનજી ત્યાંથી અંત:ધ્યાન થઇ ગયાં .

આ કથાથી સમજવા મળે છે , તમારું બળ દરેક સ્થળે કામ ના આવે અને તમારથી અધિક શક્તિશાળી વ્યક્તિ આ સંસારમાં હોય છે . આથી નિરાભિમાની બનો અને આવી કોઈ વ્યક્તિ તમારી સમક્ષ આવે તો નમ્રતાથી વર્તો , ખોટી ડંફાસ ના મારો .


મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૪૮ – ૧૫૩

%d bloggers like this: