Archive for the ‘કર્ણ’ Tag

ભક્તોના અભિમાનનો ભંગ (૫): અર્જુન (શ્રેષ્ઠ દાનવીર કોણ ?)

 

એક સમયની વાત છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન એક સાથે પ્રવાસ કરી રહ્યા હતા. રોજ સવારે ભગવાન અને અર્જુન બ્રાહ્મણોને બોલાવી દાન આપતા.  એક દિવસ અર્જુને પોતાનાં  અહંકારમાં ભગવાનને કહ્યું કે “પ્રભુ , દુનિયામાં કર્ણને શ્રેષ્ઠ દાનવીર કેમ કહે છે ? એનાથી વધુ અને યોગ્ય દાન હું કે તમે આપતા હશો તો એને આ  બહુમાન ક્યા કારણસર આપીએ છીએ ? ”

ભગવાન સમજી ગયા કે અર્જુનને આજે અહં થયો છે કે એના જેવો દાનવીર કોઈ નથી  , ભગવાન તો ભક્ત વત્સલ છે  , એમણે અર્જુનને હસતાં કહ્યું કે તારી વાત સાચી તો લાગે છે પણ આપણા મુખે જો આપણાં વખાણ કરીએ તો દુનિયા આપણને મૂર્ખ સમજે અને એક રીતે સ્વ-પ્રસંશા તો મૃત્યુ સમાન છે. આપણે પરીક્ષા કરીએ તો  દુનિયાને પણ ખબર પડે કે શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

અર્જુનને માધવની વાત સાચી લાગી અને વિચારમાં પડ્યો કે શ્રેષ્ઠ દાનવીરની પરીક્ષા કેવી રીતે કરવી ?

કૃષ્ણ ભગવાને લીલા રચી અને કહ્યું જો આગળ એક ગામ આવે છે એમાં સોનાના બે ઊંચા પર્વત છે અને એ બે ગામ મારા હિસ્સાના છે તો તું એ બે પર્વતનું બધું સોનું આખા ગામમાં તારી સમજશક્તિ મુજબ દાનમાં આપી દે.  સોનાનો તલ ભર ભાગ પણ રહેવો નાં જોઈએ. આથી એ નક્કી થશે કે તું કેટલો યોગ્ય અને મહાન દાનવીર છે.

અર્જુનને આ વાત યોગ્ય લાગી , પોતાનાં અભિમાનમાં એણે એ ગામમાં જઈ ઢંઢેરો પીટ્યો કે કાલે સવારે હું અઢળક સોનાનું દાન કરવાનો છું આથી સૌ યાચક આવી પહોચે. સવારથી અર્જુને સોનું આપવાનું શરુ કર્યું  , આખો દિવસ આપ્યા બાદ એ બે પર્વતમાંથી સોનું ઓછું નાં થયું અને યાચાકોનું આવવાનું પણ ઓછું નાં થયું. આથી આપવાનો કાર્યક્રમ બીજા દિવસ ઉપર મુલત્વી રાખ્યો. બીજા દિવસે ફરી અભિમાનમાં અર્જુન બમણાં વેગથી સોનું આપવાનું શરૂ કર્યું  . તે છતાં એ પર્વતોનું  સોનું ઓછું ના થયું  – આમ સાત દિવસ સુધી અર્જુન દાન આપતો રહ્યો અને યાચકો આવતાં  રહ્યા.

હવે અર્જુન થાક્યો , એને ગ્લાની થઇ કે પોતે યાચકોને સંતોષ નાં આપી શક્યો પણ એનામાં હજુ એક અહમ હતો કે પોતે જે દાન સાત દિવસમાં કર્યું તે કર્ણ એક વર્ષમાં પણ નહીં કરી શકે. હવે એણે ભગવાનને કહ્યું હું તો આપીને થાકી ગયો અને મેં ઘણું સોનું દાન કર્યું પણ યાચક અને સોનું ઓછું થયું નથી  , હવે આપને કર્ણને બોલાવીએ અને જોઈએ કે તે કેટલું સોનું દાન કરી શકે છે ?

ભગવાન હસ્યા અને સમજ્યા કે હજુ અર્જુનને અભિમાન છે કે એણે કરેલું દાન ઘણું અને શ્રેષ્ઠ છે.  ભગવાને કર્ણને બોલાવી કહ્યું ” હે વીર, મારી પાસે બે સોનાનાં  પર્વત છે જેમાં રહેલું સર્વ સોનું દાનમાં આપવું છે. આ કાર્ય મેં અર્જુનને સોંપેલું પણ સાત દિવસ પર્યંત આપવા છતાં યાચકોને સંતોષ નથી અને સોનું ઓછું નથી થતું – દુનિયા તને દાનવીર કહે છે , તારા જેવો દાન આપવામાં કોઈ છે નહીં તો તું એ વાતને સિદ્ધ કર”

કર્ણ  આ સાંભળી હસ્યો અને બોલ્યો ” વાસુદેવ , બસ આટલી જ વાત છે , આ દાન તો હું બે પળમાં પૂરું કરી શકીશ” . અને કહ્યું કે કાલે બ્રહ્મ મુર્હર્તમાં હું આ કાર્ય સંપન્ન કરીશ  . આ સાંભળી અર્જુન છક્ક થઇ ગયો  – આટલાં સમયથી તેણે દાન આપ્યું તે છતાં એનો અંત નાં આવ્યો તે બે પળમાં કયાંથી પૂરું કરી શકશે ?

બીજે દિવસે સૂર્યોદય સમયે ભગવાન કૃષ્ણ અને અર્જુન કર્ણ પાસે આવ્યા. કર્ણ તો દાનમાં પ્રખ્યાત હતો આથી ગામમાંથી બે યાચકો તેની પાસે આવ્યા. કર્ણે  દાન આપવાનો સંકલ્પ કરી તે બે ને કહ્યું કે ગામની બહાર જે બે સોનાનાં  પર્વત છે તે એક એક હું તમને દાનમાં આપું છું – તમને સંતોષ છે કે તમને હજુ કંઈ જોઈએ છે ? બંને યાચકો ખુશ થઇ આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગયાં

આ જોઈ અર્જુન અવાક થઇ ગયો. એને થયું કે આવો વિચાર એને કેમ ના આવ્યો ?

ભગવાન કૃષ્ણે એની તરફ સ્મિત કરતાં જવાબ આપ્યો “હે પાર્થ , અંતરથી તું સુવર્ણ તરફ આકર્ષિત થયો હતો અને તું એનું દાન બે વિચારથી આપતો હતો – કે આ દાન આ યાચક માટે યોગ્ય અને ઘણું છે . અને એ દાન આપતી વખતે તારા મનમાં દયાનો ભાવ રહેતો હતો – આથી તારી વિચાર શક્તિ ઉપર આ દાન નિર્ભય થતું હતું – તારી દાનત પર નહીં. તે દાન આપવાની શરૂઆત જાહેરાત જોડે કરી હતો , એમાં તારો આશય કીર્તિ પામવાનો હતો – આથી તારાં દાનથી કોઈને સંતોષ થતો ના હતો .”

“પણ તું કર્ણ તરફ જો , એણે દાન માટે કોઈ જાહેરાત ના કરી , એણે જ્યારે દાન આપ્યું ત્યારે એમ વિચારતો ન હતો કે આ દાન યાચક માટે થોડું કે ઘણું હશે. એનાં મનમાં એ વિચાર પણ ન હતો કે આ દાનથી એને પુણ્ય કે કીર્તિ પ્રાપ્ત થશે. એ આપતી વખતે એનાં મનમાં અહંકાર ના હતો કે હું આપી શકું છું અને આ યાચકને આ સોનાની જરૂરત છે.  અને દાન આપવાનાં આ સર્વ ગુણ ઉપરાંત એ દાન આપીને કોઈને કહેતો નથી , એ અહીંથી ચુપચાપ નીકળી ગયો , એ પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા કે પ્રસંશા સંભાળવા ત્યાં ઉભો ના રહ્યોં. એને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે લોકો એને માટે સારી વાતો કરે છે કે એની ટીકા , – આ જ તો મહાન દાનીનાં ગુણ છે”

અર્જુનને પોતાની ભૂલનું જ્ઞાન થયું અને એ કૃષ્ણ ભગવાનનો આભાર માન્યો કે તેમણે એનાં અહંકારનો નાશ કર્યો અને એ વાત સાથે સ્વીકૃત  થયો કે કર્ણ ખરેખર દાનીઓમાં શ્રેષ્ઠ છે”

 

%d bloggers like this: