Archive for the ‘કલ કરે સો આજ કર આજ કરે સો અબ’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા- મહાવિજયની ઘોષણા

આ વાત મહાભારતનાં સમયની છે. મહાભારતનું ભીષણ યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું

એક દિવસ કોક યાચક યુધિષ્ઠિર પાસે કંઇક માંગવા આવ્યો. પરંતુ પોતે કોઈ અત્યંત જરૂરી કામમાં રોકાયેલા હોવાથી તે યાચકને કાલે આપવાનું વચન આપી, રવાના કરી દીધો.. આ દરમ્યાન ભીમે આખો પ્રસંગ નજદીકમાં ઉભો રહીને જોયો. તે મહારાજની છાવણીમાંથી બહાર ગયો અને પ્રહરીને મહાવિજય માટે દુદુંભિ વગાડવાની આજ્ઞા કરી. તે અવાજનાં પડઘા દશે દિશામાં ગુંજવા લાગ્યા. યુધિષ્ઠિર તો આ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા. તેમને વિચાર આવ્યો કે યુદ્ધ પૂરું થયું નથી અને મહાવિજયનો ઉદ્ ઘોષ કોને કરાવ્યો. તરત જ રાજ્યસભાની ઘોષણા કરવમાં આવી અને ભીમને બોલવામાં આવ્યો. તેને આ મહાવિજય માટે દુદુંભિની આજ્ઞા શા કારણેથી કરી તે સભાને જણાવવા કહ્યું.

ભીમે કહ્યું “મહાભારતનું આ યુદ્ધ તો એકદમ તુચ્છ વાત છે. મહારાજ યુધિષ્ઠિરે કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેમને વિશ્વાસ છે કે આવતી કાલ સુધી તો તેઓ જીવિત રેહેવાના છે. આમ તો દુનિયામાં આંગળીએ ગણાય તેટલા ચિરંજીવી છે. હાથનાં વેઢે ગણાય તેટલા કલ્પજીવી છે. પરંતુ જે કાળ ને એક દિવસ માટે પણ જીતી શકે તેવા દુર્લભ છે. જો મહારાજ માને છે કે તેમણે કાળને જીત્યો છે તો આ વાત મહાભારત જીતવા કરતાં પણ મોટી વાત છે. એની ખુશીમાં મેં મહાવિજયની ઘોષણા કરાવી છે.”

મહારાજ યુધિષ્ઠિર ભીમનો વ્યંગ સમજી ગયા. પોતે ત્રણ ઘડી પહેલા એક યાચકને કાલે દાન આપવાનું વચન આપી રવાના કર્યો છે , એ ભૂલ પર ધ્યાન દોરવા ભીમે આ ગોઠવણ કરી છે. યુધિષ્ઠિરે તરત એ યાચકને પાછો બોલાવી તેને જોઈતું આપી તેનું કાર્ય સંપન્ન કર્યું.

આજનું કામ આજે જ પૂરું કરવાનું આ વાત પર આખી સભાએ એકી સાથે સમંત થઇ.

“કલ કરે સો આજ કર, આજ કરે સો અબ”