Archive for the ‘ધૃતરાષ્ટ્રની પૂર્વ જન્મની કથા’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – ધૃતરાષ્ટ્રની પૂર્વ જન્મની કથા

મહાભારતનું યુદ્ધ સમાપ્ત  થઇ ચુક્યું હતું.  યુદ્ધમાં કૌરવો એમનાં પ્રાણ ખોઈ બેઠાં હતા. કૌરવોનાં પિતા ધૃતરાષ્ટ્ર  પાંડવોની સાથે રહેતાં હતા. પાંચે ભાઈઓ એમની પિતાતુલ્ય સમાન સેવા કરતાં હતા. નિત્ય સવારે તેમને નમન કરવા આવતાં હતાં.  તેમની દરેક ઈચ્છા અને નાનામાં નાની વસ્તુઓનું પાંચે ભાઈઓ કાળજી રાખતા હતા  .

ભીમ તેમનાં  ભોજનનું ધ્યાન રાખતો અને રોજ  વિવિધ પકવાન બનાવી જમાડતો હતો પરંતુ  જમ્યા બાદ એ એક કટુવચન સંભળાવતો હતો : “સૌને તો  ખાઇ ગયા, અને હજીએ તમારું પેટ ભરાયું નથી?”

ધૃતરાષ્ટ્ર ઝેરનો આ કડવો ઘુંટડો  મૂંગે મોઢે પી જતા. મનમાં ને મનમાં સમસમીને બેસી રહેતા.  મોઢેથી એક શબ્દ પણ બોલતા નહિ. ભીમસેનના આ અંગારા જેવા શબ્દો દઝાડતા. રોજરોજ સાંભળી એમને રોમરોમમાં આગની જવાળા વ્યાપી જતી. એમનું ખાધુપીધું બધું યે બળી જતું , પણ એના જવાબમાં ધૃતરાષ્ટ્ર  કંઈ જ કહેતા નહિ . પોતાનાં અનેક પુત્રોનો વધ કરનાર ભીમ કયા કારણસર આવું બોલે છે તે ધૃતરાષ્ટ્રને સમજાતું ન હતું . મનોમન સોસવાયા કરતાં  .

એક દિવસ એમને શ્રી કૃષ્ણ એમને મળવા આવ્યા. કુશળ સમાચાર પૂછતાં કહ્યું “મહારાજ  , કહો મજામાં છો ને ?”

આ સાંભળી ધ્રુતરાષ્ટ્રનાં મુખ પર  વેદના તરી આવી . શ્રી કૃષ્ણની ચકોર નજરે એ આછી વેદનાને રાખો પકડી લીધી. પળવાર એમનાં પ્રજ્ઞાચક્ષુઓ  અંધકારને મમળાવી રહ્યાં  પછી આસ્તેથી કહ્યું , “મહારાજ , આમ તો બધી રીતે પાંડવો મારા પુત્રો કરતાં પણ વિશેષ દેખભાળ  રાખે છે , દરરોજ મળવા આવે છે અને રાજની ખબર આપે છે અને મસલત પણ કરે છે. ખાવા પીવડાવામાં પણ ઘણી કાળજી રાખે છે પણ એક વેદના …” આમ કહેતાં ધૃતરાષ્ટ્ર  અટકી ગયા.

કેશવે કહ્યું ” શી વેદના છે ? વિના સંકોચે કહો ”

ધૃતરાષ્ટ્ર કહે છે ” માધવ , વેદના માત્ર એ  છે કે જેણે મારા પુત્રોનો વધ કર્યો એ જ ભીમસેન રોજ મને સારી રીતે જમાડી મને એક કટુ વચન સંભળાવે છે :”સૌને તો ખાઈ ગયા, અને હજીએ તમારું પેટ ભરાયું નથી?” બસ આ સાંભળી મારા કાનમાં ધગધાગતું સીસુ રેડ્યું હોય એવી અસહ્ય પીડા થાય છે , મારું મન અત્યંત ક્રોધે ભરાય છે પણ વૃદ્ધતા અને અંધત્વ મને લાચાર બનાવી દે છે આથી આ અપમાનનો ઘુંટ ચુપચાપ પી જાવ છું  .

ધૃતરાષ્ટ્રની આ વાત સાંભળી , શ્રી કૃષ્ણે  એમનાં ખભા પર હાથ મૂકી ગંભીરતાથી  બોલ્યા ” આ વાકયમાં તમારાં પૂર્વ જન્મની કથા છુપાયેલી છે “. આશ્ચર્યચકિત થઇ ધૃતરાષ્ટ્રે  માધવને વિનંતી કરી “જો આ કથાથી મારા મનની પીડા ઓછી થતી હોય તો આપને વિનંતી કરું છું કે એ કથા આપ મને અવશ્ય સંભળાવો “.
શ્રી કૃષ્ણે કથાનો આરંભ કરતાં  કહ્યું ,” તમે છેલ્લાં સો જન્મોથી રાજપદ પ્રાપ્ત કરતાં આવ્યા છો. એ દરેક જન્મોમાં તમે બહુ ઉચ્ચ કોટિનાં ધર્માત્મા રાજા હતા , આ સો જન્મનાં તમે એટલાં પુણ્ય ભેગાં કર્યાં હતા કે તમારે ક્યારે પણ કોઈ દુ:ખ ભોગવવા પડ્યા ન હતા. તમારા આગલા ભવની આ વાત છે , તમારા પૂર્વના કોક પાપનો ઉદય શરૂ થયો હતો  આથી તમને કોઢનો રોગ થયો હતો  , આખું શરીર પર એક ચળ આવતી રહેતી અને તમને રાત્રે પણ નીંદર આવતી ન હતી.

એક સમયની વાત છે ,  એક વખત હિમાલયમાં ભયંકર ઠંડી પડી અને માનસરોવર  સુદ્ધા થીજી ગયું. અને ત્યાં રહેતા રાજહંસોની સામે જીવન કેમ ટકાવી રાખવું એ ગંભીર સમસ્યા આવીને ઉભી રહી. એટલે એ રાજહંસોએ માન  સરોવરનો ત્યાગ કરી એક ઋતુ માટે જ્યાં સ્વચ્છ નિર્મળ પાણીનો ભંડાર અખૂટ ભર્યો હોય એવું સ્થાન શોધી ગ્રીષ્મ ઋતુ સુધી રહેવાનો નિર્ણય કર્યો . તે સહુએ પોતાનાં ૧૦૦ બાળકો સાથે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તમારું રાજ્ય આવતું હતું એટલે તે દિવ્ય પક્ષીઓ તમારા રાજઉદ્યાનમાં આવી ઉતર્યા જ્યાં તમે એ સહુનું આદરપૂર્વક આતિથ્ય કર્યું . તમારી પરોણાગત જોઇને એ રાજ હંસ બહુ પ્રસન્ન થયા અને તમને કહ્યું કે જો એક ઋતુ પર્યંત જો તમે એમના બાળકોનું ધ્યાન રાખશો તો અમે જ્યારે પાછા ફરશું ત્યારે તમારા રોગનું હંમેશ માટે નિદાન કરી આપશું .  અમારે દક્ષિણ તરફ લાંબા અંતર સુધી જવાનું છે અને આટલો લાંબો પ્રવાસ કરવાનું બાળકોનું ગજુ નથી.  તમે એ પ્રસ્તાવ તરત સ્વીકારી લીધો. અને એ સહુ રાજ હંસના બચ્ચાઓને પોતાના ઉદ્યાનમાં રહેવાનું  સ્થાન આપ્યું.  એ ઉદ્યાનનો માળીને તાકીદ કરવામાં આવી કે આ હંસોનું યોગ્ય કાળજી રાખવામાં આવે .

એ ભવમાં તમને સામીષ (માંસાહારી ) ભોજન અતિ પ્રિય હતું  અને તે રોજ ખાવાનો તમને શોખ હતો , જો કોક દિ એ ખાવામાં ન હોય તો તમે ખુબ ક્રોધિત રહેતાં હતાં .  એ હંસના બચ્ચાઓ આવ્યાનાં થોડા દિવસ પછીની આ વાત છે , એક  દિવસે રાજ રસોઈયાને  આખા રાજમાંથી રાંધવા માટે જોઈતું માંસ ના મળ્યું  આથી તેણે શાકાહારી ભોજન બનાવ્યું. એ દિવસે તમને ચેન નાં પડ્યું અને આજ્ઞા કરી કે ગમે તે સંજોગોમાં કાલે ભોજન સામીષ  બનવું જોઈએ . પરંતુ બીજા દિવસે પણ એવા સંજોગો ઉભા થયાં અને ફરી શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું , આથી તમ અત્યંત ક્રોધિત થઇ ગયા અને રસોઈયાને  ચેતવણી આપી કે જો હવે તમને કાલે સામીષ ભોજન નહીં મળ્યું તો તેને આકરો દંડ આપવામાં આવશે.

રાજ રસોઈયો ખળભળી ગયો અને રાજ ઉદ્યાન તરફ વિચાર કરતો ચાલવા લાગ્યો , ત્યાં એને નજર હંસોના બચ્ચાઓ પર પડી  અને તેનાં મનમાં વિચાર ચમક્યો. તેણે માળીને આજ્ઞા કરી કે એક હંસનું બચ્ચું રાજ રસોઈમાં મૂકી જવા કહ્યું . માળીનાં મનમાં તો એમ જ કે રાજ આજ્ઞા હશે અને એણે એ પ્રમાણે કર્યું.
રસોઈયાએ  એક બચ્ચાને મારીને એનું ભોજન તમને પીરસ્યું, તમને એ બહુ સ્વાદિષ્ટ લાગ્યું અને આજ્ઞા કરી કે રોજ આ જ વાનગી પીરસવામાં આવે . આથી રસોઈયાએ રોજ એક બચ્ચું મારીને તમને ખાવડાવાનું શરુ કર્યું  . થોડા સમયમાં તમારો કોઢનો રોગ મટવા લાગ્યો અને રાત્રે નિંદર પણ આવવા લાગી. આમ કરતાં ૧૦૦ દિવસ વીતી ગયાં.

અને ૧૦૧માં  દિવસે પેલાં રાજ હંસો પાછા રાજ્યમાં આવ્યા , તમે ફરી તેમની પ્રેમથી પરોણાગત કરી  અને રાજહંસોએ પોતાનાં બાળકોને લઇ જવાની ઈચ્છા પ્રગટ કરી.  તમે  તરત માળીને બોલાવી હંસોના બચ્ચાઓને સોંપણી કરવા કહ્યું  . હવે માળી મુંઝાઈ ગયો અને કહ્યું કે આનો જવાબ તો રાજ રસોઈયા પાસે છે.
તમે રસોઈયાને બોલાવી પૂછ્યું કે “હંસોના બાળક ક્યાં છે ?” રસોઈયાએ જણાવ્યું કે એ તો સહુ તમારાં અન્નાશયમાં પહોંચી ગયા છે પછી ૧૦૦ દિવસ પહેલા શાકાહારી ભોજનને કારણે તમે હુકમ કર્યો હતો કે તમને જો સામિષ્ટ ભોજન નહિ મળે તો દંડ આપશો આથી એણે હંસનું એક બચ્ચાને મારી તમને ભોજન કરાવ્યું અને તમને એટલું ભાવ્યું કે તમે રોજ એ વાનગી બનાવાની આજ્ઞા કરી હતી આથી એ ૧૦૦ રાજ હંસના બચ્ચાઓ મારી ચુક્યા છે . આ સાંભળી તમે બહુ વ્યથિત થઇ ગયા અને ગભરાઈને રાજ હંસો સમક્ષ માફી માંગી .

આ સાંભળી એ રાજ હંસો અત્યંત ક્રોધે ભરાયા અને તમને શ્રાપ આપ્યો કે “અમે આટલાં સમય દૂર રહી અમારા બાળકોને જોવા તરસી રહ્યાં , આથી અમે શ્રાપ આપીએ છીએ કે આવતાં ભાવમાં તમે સશક્ત ,સમૃદ્ધ અને તમારા બાળકોની સન્મુખ હોવા છતાં તમારાં બાળકોને જોઈ નહિ શકો.  તમે જન્માંધ થશો. અમારામાંથી એક રાજ હંસ ફરી જન્મ લેશે અને એ ભવમાં તમારાં ૧૦૦ પુત્રોનો વધ કરશે ” આટલું કહી એ દિવ્ય પક્ષીઓ ત્યાંથી જતા રહ્યા .

કૃષ્ણ ભગવાન કથાનો અંત કરતાં કહ્યું , “મહારાજ , તમે પાલક હતાં , તમારો ધર્મ એ બાળકોની રક્ષા કરવાની હતી , તે છતાં તમે તમારા સ્વાર્થ (ભૂખ) માટે અજાણતાં પોષણ ન કર્યું અને વિશ્વાસઘાત કર્યો , આથી તમને એ સજાનાં ફળ રૂપે આ જન્મમાં ૧૦૦ પુત્રોનો નાશ જોવો પડ્યો અને એક મહેણું સાંભળવું પડશે .

આ કથા સાંભળી ધૃતરાષ્ટ્ર ગમગીન થઇ ગયાં અને પોતાનાં પૂર્વ જન્મોનાં કુકર્મોનું ફળ સાંભળી દુ:ખી થઇ ગયાં

–  જન કલ્યાણ – “મહાભારત અંક”

%d bloggers like this: