Archive for the ‘પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મનાં મૃત્યુનાં કારણની પૂર્વ જન્મની કથા’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની પૂર્વ જન્મની કથા

દેવી ગંગા પોતાનાં પતિ શાન્તનુને પોતાનાં આઠમાં પુત્રની પૂર્વજન્મની કથા સંભળાવતા કહે છે :

यं लेभे वरुणः पुत्रं पुरा भरतसत्तम।
वसिष्ठनामा स मुनिः ख्यात आपव इत्युत।।
तस्याश्रमपदं पुण्यं मृगपक्षिसमन्वितम्।
मेरोः पार्श्वे नगेन्द्रस्य सर्वर्तुकुसुमावृतम्।।
अनुग्रहार्थं जगतः सर्वकामदुहां वराम्।
तां लेभे गां तु धर्मात्मा होमधेनुं स वारुणिः।।

– મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૦૬

અર્થાત: વિશ્વવિખ્યાત બ્રહ્મર્ષિ વશિષ્ઠ વરુણનાં પુત્ર છે. મેરુ પર્વત પાસે એમનો મનોહર , પવિત્ર અને સુંદર આશ્રમ છે , ત્યાં તેઓ સદા તપસ્યા કરે છે. કામધેનુ (ગાય)ની પુત્રી(ગાય) નન્દિની એમને યજ્ઞમાં હવિષ્ય આપવા માટે સદા ત્યાં રહે છે

तत्रैकस्याथ भार्या तु वसोर्वासवविक्रम।
संचरन्ती वने तस्मिन्गां ददर्श सुमध्यमा।।
नन्दिनीं नाम राजेन्द्र सर्वकामधुगुत्तमाम्।

એક વખત સહુ વસુઓ પોતાની પત્ની સાથે ત્યાં વિહાર કરતાં એ વનમાં પહોંચ્યા અને તેમની નજર સમસ્ત કામનાઓને પૂર્ણ કરવાવાળી નન્દિની પર પડી. એમાં દ્યૌ નામનાં વસુની પત્નીએ એ ગાય વિષે પૂછ્યું એનાં ઉત્તરમાં દ્યૌએ કહ્યું

अस्याः क्षीरं पिबेन्मर्त्यः स्वादु यो वै सुमध्यमे। दशवर्षसहस्राणि स जीवेत्स्थिरयौवनः।।

જે મનુષ્ય આ ગાયનું દૂધ પીએ છે તે દશ હજાર વર્ષ પર્યન્ત જીવિત અને જુવાન રહે છે. આ સાંભળી દ્યૌની પત્નીએ એનું હરણ કરવાની વિનંતી કરી અને પોતે એને પોતાની સખીઓને ભેટ કરવા માંગે છે એમ જણાવ્યું. દ્યૌએ પોતાની પત્નીની વાત સ્વીકારી અને પોતાનાં ભાઈઓને બોલાવી એ ગાયની ચોરી કરી. એ સમયે વસુઓ અજાણ હતા કે ઋષિ પરમ તપસ્વી અને શ્રાપ આપી તેઓને દેવયોનીમાંથી ચ્યુત કરવામાં સક્ષમ છે.

જ્યારે બ્રહ્મર્ષિ ફળ અને ફૂલ લઇ આશ્રમ પર પાછા આવ્યા ત્યારે આખા વનમાં શોધવા છતાં પોતાની પુત્રીને જેમ સાચવેલી નન્દિની ગાય કશે ના મળી

ञात्वा तथाऽपनीतां तां वसुभिर्दिव्यदर्शनः।
ययौ क्रोधवशं सद्यः शशाप च वसूंस्तदा।।

ત્યારે તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું અને વસુઓને શ્રાપ આપ્યો કે ” વસુઓએ મારી ગાયની ચોરી કરી છે , આથી તેઓનો મનુષ્યલોકમાં જન્મ થાઓ” આ વાત વસુઓએ જાણી ત્યારે તેઓ તરત નન્દિનીને લઈને ઋષિ પાસે ક્ષમા-પ્રાર્થ કરવા આવ્યા. નન્દિનીને જોઈ વશિષ્ઠજી અત્યંત પ્રસન્ન થયાં અને વસુઓને કહ્યું

उवाच च स धर्मात्मा शप्ता यूयं धरादयः।
अनुसंवत्सरात्सर्वे शापमोक्षमवाप्स्यथ।।
अयं तु यत्कृते यूयं मया शप्ताः स वत्स्यति।
द्यौस्तदा मानुषे लोके दीर्घकालं स्वकर्मणः।

“બાકીના સહુ એક એક વર્ષ પછી મનુષ્ય યોનિમાંથી છુટકારો પામશો પરંતુ આ દ્યૌ નામનો વસુ પોતાનાં કર્મનો ભોગ કરવા ચિરકાળ સુધી મૃત્યુ લોકમાં રહેશે. મારા મુખથી નીકળેલી વાણી મિથ્યા નથી થતી”

नानृतं तच्चिकीर्षामि क्रुद्धो युष्मान्यदब्रुवम्।
न प्रजास्यति चाप्येष मानुषेषु महामनाः।।
भविष्यति च धर्मात्मा सर्वशास्त्रविशारदः।
पितुः प्रियहिते युक्तः स्त्रीभोगान्वर्जयिष्यति।।

આ મૃત્યુલોકમાં ધર્માત્મા અને સર્વશાસ્ત્ર પારંગત થશે પરંતુ કોઈ સંતાન ઉત્પન્ન નહીં કરે. પિતાની પ્રસન્નતા અને ભલાઈ માટે સ્ત્રી સમાગમનો ત્યાગ કરશે

આ સાત વસુઓએ અનેક દિવ્ય વર્ષો સુધી તપ કરી , ગંગાજીનેપ્રસન્ન કરી વરદાન મેળવ્યું કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે એમને એક વર્ષ બાદ ગંગામાં પધરાવી દેવા જે દેવી ગંગાએ માન્ય રાખી અને શાન્તનુનાં પ્રથમ સાત બાળકોને દેવ નદીમાં પધરાવી દીધાં અને આઠમો બાળક જે દ્યૌ વસુ હતો તેને શાન્તનુને આપી ત્યાંથી અંતર્ધાન ગયા

આમ ભીષ્મ પિતા પૂર્વ જન્મમાં દેવયોનિમાં રહેતા દ્યૌ વસુ હતાં