Archive for the ‘ભક્તની પરીક્ષા’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – ભક્તની પરીક્ષા

એક વખત નારદજી પૃથ્વી પરથી વૈકુંઠ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક ભકત જોયો જે ઘણા સમયથી ઘોર જંગલમાં ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતો હતો. નારદજીને થયું લાવ મળતો જવું.

નારદજીએ એને પુછ્યું ” ભગવાનને કોઈ સંદેશો આપવાનો છે ?” ત્યારે તે ભક્તે કહ્યું ” પૂછજો કે મને ક્યારે દર્શન આપશે ?”  નારદજીએ “સારું” કહી ત્યાંથી ચાલી નીકળ્યા.

થોડા આગળ પહોચ્યાં ત્યાં બીજો એક ભક્ત મંદિરની બહાર ભીખ માંગતો બેઠો હતો. તે પણ ભગવાનનું સતત સ્મરણ કરતો હતો પણ સાથે ભીખ પણ માંગતો હતો. નારદજીને થોડી દયા આવી અને થયું એને પણ પુછતો જવું કે “ભગવાનને કંઈ પૂછવું છે ? ” ત્યારે તે ભક્તે પણ એ જ કહ્યું ” પૂછજો કે મને ક્યારે દર્શન આપશે ?” નારદજીને નવાઈ લાગી પણ માત્ર “સારું” કહી ત્યાંથી ચાલી નીકળ્યા.

વૈકુંઠ પહોંચી ભગવાનને બધી વાત જણાવી. ભગવાનને કહ્યું ” જે જંગલમાં ઉગ્ર તપ કરે છે તેને ૧૦ જન્મ પછી હું સ્વયં દર્શન આપીશ. જે મંદિરની બહાર ભીખ માંગતા મારું સ્મરણ કરે છે તેને હું ૧૦૦૦ જન્મ પછી દર્શન આપીશ”

નારદજીને ફરી નવાઈ લાગી. તેમને ભગવાનને પુછ્યું “તમે તો પક્ષપાત કરતા નથી તો એક ભકત ને ૧૦ જન્મ અને બીજાને ૧૦૦૦ જન્મ શા માટે ? કેમ કે એક ભક્ત નિષ્ઠાથી ભક્તિ કરે છે અને બીજો લાચારીથી ?”

ભગવાને કહ્યું “એનો જવાબ તમને ત્યારે મળશે જયારે તમે મારો જવાબ આ ભક્તોને જણાવશો”. નારદજીની ઉત્કંઠા વધી ગઈ એતો ત્યાંથી તરત પૃથ્વી પર આવ્યા અને જંગલમાં જઈ પહેલા ભક્તને મળ્યાં અને ભગવાનનો ઉત્તર જણાવ્યો.

એ ભક્ત તો ક્રોધ થી રાતો પીળો થઇ ગયો અને કહેવા લાગ્યો ” હું આટલા વર્ષોથી સંસાર છોડી , પ્રાણાયામ કરી આટલું ઉગ્ર તપ કરું છું તે છતાં મને ૧૦ જન્મો પછી દર્શન આપશે ? આ કેવો ભાવ વગરનો ભગવાન છે ?” આટલું કહી તે એ સ્થાન છોડી ત્યાંથી નીકળી ગયો. નારદજીને મનમાં થયું પોતાના તપનું આટલું બધું અભિમાન ? આના જેવાને તો ૧૦ જન્મ શું ૧૦૦ જન્મમાં પણ ભગવાનના દર્શનનો અધિકાર નથી !

ત્યાંથી તે મંદિરમાં ભીખ માંગતા ભક્ત પાસે પહોચ્યા અને ભગવાનનો ઉત્તર જણાવ્યો. એ સાંભળી તે ભક્તના આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને પછી તો તે નાચી ઉઠ્યો. નારદજીને ઘણું આશ્ચર્ય થયું. તેમને થયું કે કદાચ એને સાંભળવામાં ભૂલ થઇ લાગે છે. અને તેને ફરી જણાવ્યું કે “ભગવાન તને ૧૦૦૦ જન્મ પછી દર્શન આપશે આ સાંભળી તું આટલો ખુશ કેમ થાય છે ?”

તેનો ઉત્તર આપતા એ ભક્ત બોલ્યો ” આટલા કરોડો લોકોમાં ભગવાને મને યાદ રાખ્યો. પોતાનો માન્યો અને હું જે કંઈ થોડું સ્મરણ કરું છું તેને કબુલ કર્યું . ગમે તેવા ભાવથી હું એને યાદ કરું છું પણ તે છતાં તેણે મને દર્શન આપવાનો વાયદો કર્યો. આથી વિશેષ આનંદ શું હોઈ શકે ? આથી વિશેષ કૃપા શું હોઈ શકે ? આ કારણથી હું આટલો બધો ખુશ છું”

નારદજીને આ વાત સ્પર્શી ગઈ. આ ભક્તમાં કેવી દીનતા છે અને કેવી અતુટ શ્રદ્ધા છે. આવા વિરલને તો ભગવાને અચૂકથી અને તુરંત દર્શન આપવા જોઈએ. જ્યાં આ વિચાર પૂરો પણ નથી થયો ત્યાં આકાશવાણી થઇ. ભગવાને કહ્યું કે “હું તારી વાતથી સમંત છું અને આ ભક્તને હું જરૂરથી દર્શન આપીશ” અને નારદજીને જવાબ મળી ગયો કે ભગવાન સ્વાર્થી કે પક્ષપાતી નથી. તે બંને ભક્તને દર્શન આપશે પણતેમની લાયકાત અને સ્વભાવને અનુકુળતા પ્રમાણે. તેમની ભક્તિના પ્રકારથી નહિ.