Archive for the ‘રામ’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા: ભગવાનનાં રૂપનો મહિમા

સીતાજીનું અપહરણ કર્યા બાદ રાવણે, તેમને અશોક વાટિકામાં રાખ્યા હતાં. અનેક ઉપાય અજમાવા છ્તાં એ ભગવતી સીતાજીને મનાવીને , પોતાની પત્ની બનાવવાની સફળતા મળી નહીં .

એને સામ, દામ, દંડ અને ભેદની કુટિલ નીતિ અપનાવી જોઈ. તેણે માતાજીને પોતાની પટરાણી બનવાનું વચન આપ્યું. લૌકિક અને પરલૌકિક વસ્તુઓ આપવાની તૈયારી બતાવી. તે ઉપરાંત એ દૈત્યે , રાક્ષસીઓ દ્વારા અમાનુષી અત્યાચાર કરવાની ધમકી પણ આપી. છેવટે તેણે રામજીને એક ભટકતા દરિદ્ર વનવાસી અને નિર્બળ જણાવી , સીતાજીના હૃદય પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ , તે કશામાં ફાવ્યો નહીં.

“કાલનેમિ” નામના એક દૈત્યે રાવણને સલાહ આપતાં કહ્યું ” તમે શા કારણ આટલી જહેમત કરો છો. તમે જો સીતાજીનું શીલભંગ કરો તો તમે એને સહેલાઈથી પામી શકશો.”

રાવણે ઉત્તર આપતાં જણાવ્યું “આવું કરવામાં હું સક્ષમ નથી અને તેનું કારણ મને મળેલો એક શ્રાપ છે. એક સમયે હું હિમાલયનાં વનમાં ઘૂમી રહ્યો હતો. ત્યાં મેં અત્યંત સુંદર સ્ત્રીને જોઈ.  તે કોઈ કારણસર મહાન તપ કરી રહી હતી. મને બ્રાહ્મણ જાણી , એણે મારો આદર સત્કાર કર્યો. એ તપસ્વિની સાથે વાર્તાલાપથી જાણવા મળ્યું કે તે ભગવાન વિષ્ણુને પામવા માટે વર્ષોથી તપ કરી રહી છે.  ત્રિલોક વિજયનાં અભિમાનથી ગર્વિત બની , મેં ભગવાન વિષ્ણુ વિરુદ્ધ અપશબ્દ કહ્યાં. અને બળજબરીથી તપસ્વિનીને પામવાની કોશિશ કરી. મારા સ્પર્શથી પોતાના દેહને ભગવાન વિષ્ણુને પામવા તથા ભક્તિ કરવા અપવિત્ર માની, તેણે દેહત્યાગ કરવાનો નિર્ણય લીધો. અને મારા આ અપકર્મને લીધે ક્રોધિત થઇ મને શ્રાપ આપ્યો કે

यदि ह्यकामामासेवेत्स्तरियमन्यामपि ध्रुवम्।
शतधाऽस्य फलेन्मूर्धा इत्युक्तः सोभवत्पुरा ।।

“જો કોઇ પરસ્ત્રીને તેની મરજી વગર જબરદસ્તી ભોગ કરવાનો પ્રયત્ન કરશે તો તે જ ક્ષણે  મારા મસ્તકનાં હજારો ટુકડાં થઇ જશે ”

આ સાંભળી કાલનેમિ વિચારમાં પડ્યો. એ જાણતો હતો કે રાવણ મહાન માયાવી છે. તે રૂપ બદલવાની અસુરી કળા પણ જાણે છે.  આથી તેણે રાવણને કહ્યું “તમે રામનું રૂપ કેમ ધારણ નથી કરતાં ? સીતા તમને ઓળખી નહીં શકે અને તમારી સાથે રહેવા આપ મુજબ તૈયાર થઇ જશે.”

રાવણે  કહયું “આ પ્રયોગ પણ મેં કરી જોયો. જયારે હું રામનું રૂપ ધરું છું ત્યારે મારી મતિ પણ ફરી જાય છે. મારા અસુરી વિચારોનો નાશ થાય છે. હું સીતાજીને પારકી અમાનત સમજુ છું અને માતા સ્વરૂપ જાણું છું. એ સાથે મને રામ પાસે માફી માંગી , સીતાને માનસહિત પરત કરવાનું મન થાય છે . જેના સ્વરૂપ માત્ર ધારણ કરવાથી મારી આ દશા થાય છે તો એના સ્મરણથી મારા કેવા હાલ થશે ? ”

આથી સંતો કહે છે કે ભગવાનના સ્વરૂપનું સતત સ્મરણ કરો. ધ્યાન ધરો . તમારા અંતરમાં રહેલા પાપ બળી જશે. તમરી મતિ  નિર્મળ થશે. તમારા હ્રદયમાં સમતા આવશે.

— “રામાયણ પ્રસંગ