Archive for the ‘રાવણ’ Tag

રામાયણ પ્રસંગ : અહંકારનો અંત (રાવણનાં – વરદાન અને પરાજય)

આ કથાનો તાત્પર્ય એ છે કે તમે ગમે તેટલાં શક્તિશાળી બનો પણ દુનિયામાં તમારાથી પરાક્રમી , યશસ્વી અને બળવાન હોય છે. અને એ જરૂરથી યાદ રાખો કે તે સહુની ઉપર ભગવાન છે જે પોતાની કાળ શક્તિથી સહુનો નાશ કરી શકે છે. આથી પાપ કરવાથી ડરો. કોઈનું નુકશાન કરવાથી ડરો. તમારો “હું” , “અંહકાર” તમારા નાશનું કારણ બનશે

પ્રસંગ પ્રમાણે રાવણને પોતાનાં સાવકા ભાઈ કુબેરની શક્તિ અને સંપત્તિથી ભારે ઈર્ષા થઇ આથી એણે પોતાના પિતા ઋષિ વિશ્રવા પાસે દિવ્ય ઐશ્વર્ય અને શક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછ્યો. ઋષિ વિશ્રવાએ બ્રહ્માજીનું તપ કરવાની આજ્ઞા આપી.

अतिष्ठदेकपादेन सहस्रं परिवत्सरान्।
वायुभक्षो दशग्रीवः पञ्चाग्निः सुसमाहितः ।।

અર્થાત: રાવણ એક પગ પર ઉભો રહી ને પંઞ્ચાગ્નિ (ચારે દિશામાં અગ્નિ અને માથા ઉપર સૂર્ય) તપ એકાગ્ર ચિત્તથી એક હજાર વર્ષ સુધી કરતો રહ્યો.

पूर्णे वर्षसहस्रेतु शिरश्छित्त्वा दशाननः।
जुहोत्यग्नौ दुराधर्षस्तेनातुष्यज्जगत्प्रभुः ।।

એક હજાર વર્ષની તપશ્ચર્યા પૂર્ણ થયા બાદ બ્રહ્માજી પ્રસન્ન ના થયાં આથી રાવણ પોતાનાં મસ્તક અગ્નિમાં હોમવા લાગ્યો (રાવણ ને જન્મથી જ દશ માથાં હતા. તેનું મૂળ નામ દશકંધર હતું.). બ્રહ્માજી તેના આ અલૌકિક કર્મથી સંતુષ્ટ થયાં.

प्रीतोऽस्मि वो निवर्तध्वं वरान्वृणुत पुत्रकाः।
यद्यदिष्टमृते त्वेकममरत्वं तथाऽस्तु तत् ।।

હું તારાથી પ્રસન્ન થયો છું. વરદાન માંગો અને તપશ્ચર્યાથી નિવૃત્ત થા. એક અમરત્વ સિવાય જે ઈચ્છા હોય તે માંગો , તે પૂર્ણ થશે.

તેમણે  સમજાવ્યું કે આ જગતમાં જેનો  જન્મ છે તેનું મરણ પણ નક્કી છે. ભગવાન શંકર , વિષ્ણુ અને બ્રાહ્મણો સિવાય કોઈ વિધાતાના લેખ બદલી શકે એમ નથી  . આથી “અમરત્વ” સિવાય બીજું કોઈ વર માંગવા કહ્યું .

ततो ब्रह्मा स्वयं गत्वा तपसस्तान्न्यवारयत्।
प्रलोभ्यवरदानेन सर्वानेवपृथक्पृथक् ।।

બ્રહ્માજીએ પ્રસન્ન થઇ રાવણને સામેથી પૃથક પૃથક વરદાનનાં પ્રલોભન આપ્યાં.

यद्यदग्नौ हुतं सर्वं शिरस्ते महदीप्सया।
तथैव तानि ते देहे भविष्यन्ति यथेप्सया ।।

તે જેટલાં શીશ અગ્નિમાં હોમ્યા છે તે સૌ તે ફરી તારાં શરીર જોડે જોડાઈ જશે.

वैरूप्यं च न ते देहे कामरूपधरस्तथा।
भविष्यसि रणेऽरीणां विजेता न च संशयः ।।

ભવિષ્યમાં ઈચ્છા અનુસાર તું દેહ ધારણ કરી શકશે અને યુદ્ધમાં તું વિજયી બનશે એ વાતમાં સંશય નથી

રાવણે બ્રહ્માજી પાસે એવું વરદાન મેળવ્યું હતું જે “અમરત્વ” સરખું હતું . રાવણ અત્યંત બુદ્ધિમાન હતો એણે  વિચાર્યું કે  હું દરેક દૈવ જાતિ (દેવ , દૈત્ય , સર્પ , રાક્ષસ , યક્ષ અને ગંધર્વ) એનાથી ના મરું  એવું માંગીશ તો હું અમર થઇ જઈશ. રાવણને પોતાની શક્તિ પર એટલો આંધળો વિશ્વાસ હતો કે મનુષ્યને કીડી સમાન ગણતો  

गन्धर्वदेवासुरतो यक्षराक्षसतस्तथा।
सर्पकिंनरभूतेभ्यो न मे भूयात्पराभवः ।।

ગંધર્વ , દેવ, અસુર , યક્ષ, રાક્ષસ , સર્પ , કિન્નર અને ભૂતોથી મારી કયારે પરાજય ના થાય

य एते कीर्तिताः सर्वे न तेभ्योस्ति भयं रतव।
ऋते मनुष्याद्भद्रं ते तथा तद्विहितं मया ।।

બ્રહ્માજીએ કહ્યું તે જેટલી જાતિનાં વર્ણન કર્યા છે તેનાથી તને કયારે ભય નહિ રહે , માત્ર મનુષ્ય અને કપિ (વાનર) જાતિથી રહેશે અને વરદાન  આપ્યું.

एवमुक्तो दशग्रीवस्तुष्टः समभवत्तदा।
अवमेने हि दुर्बुद्धिर्मनुष्यान्पुरुषादकः ।।

રાવણે વિચાર્યું મનુષ્યોઅને કે વાનર મારું શું બગડી લેશે એ તો મારું ભોજન છે આથી તે પોતાને મળેલાં વરદાનથી સંતુષ્ટ થયો .

ભગવાન શંકરનો એ ઉત્કૃષ્ટ ભક્ત હતો એણે કમળપૂજા (પોતાને હાથે પોતાનું માથું કાપી) કરી ભગવાનને પ્રસન્ન કર્યાં હતાં અને “અજય” થવાનું વરદાન માંગ્યું હતું ત્યારે ભગવાન શંકરે એવા આશીર્વાદ આપ્યા કે શિવ ભક્ત, અને હરિ ભક્ત સિવાય તું સર્વથી અજય બનશે .

રાવણે બ્રહ્મા અને શિવજી પાસેથી અમોઘ વરદાન મેળવી રાવણે  સ્વર્ગ ઉપર આક્રમણ કરી ઈંદ્ર અને દશે દશે દિશાના દિગ્પાલને લીધાં. તેને સ્વર્ગમાંથી અમૃતનો કુંભને પોતાની નાભિમાં સ્થાપિત કર્યો એને દરેક દેવને પોતાની સેવામાં નિયુકત કર્યાં  . સ્વર્ગના અદભુત રત્નો  તે લંકા લઈને આવ્યો. 

नैनं सूर्य: प्रतपति पार्श्वे वाति न मारुत:।
चलोर्मिमाली तं दृष्ट्वा समुद्रोऽपि न कम्पते।।1.15.10।।

રામાયણ , બાલ કાંડ

દેવો બ્રહ્માજીને “રાવણની” શક્તિની વાત કરતાં કહે છે : “સૂર્ય એની ગરમીથી એને હેરાન નથી કરતો . વાયુ તેની સામે પ્રચંડ નથી થતો અને સમુદ્ર , જે નિરંતર પાણીનાં મોજા ઉછાળે છે, તે એને જોઈને એકદમ શાંત થઇ જાય છે.”

રાવણ પોતાની શક્તિનું વર્ણન કરતાં ભગવતી સીતાજીને કહે છે

चतुर्दश पिशाचीनां कोट्यो मे वचने स्थिताः।
द्विस्तावत्पुरुषादानां रक्षसां भीमकर्मणाम् ।।
ततो मे त्रिगुणा यक्षा ये मद्वचनकारिणः।

અર્થાત : ચૌદ કરોડ પિશાચ, અઠીયાવીસ કરોડ રાક્ષસ અને તેનાથી ત્રણ ગણા યક્ષ મારી આજ્ઞાનું પાલન કરે છે.

એ છતાં તેને પૃથ્વી અને પાતાળ જીતવાની બાકી હતી.

પોતાનાં  અભિમાનનાં બળ ઉપર તે પાતાળમાં દૈત્યરાજ બલિને પડકારવા ગયો. એ વખતે ત્યાં ભગવાન વિષ્ણુ દ્વારપાળ તરીકે મહારાજ બલિ અને તેમનાં પરિવારની રક્ષા કરતા હતાં. રાવણે ભગવાન સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેમાં તેની હાર થઇ. મહારાજ બલિનાં પૌત્ર રાવણનાં દસ માથા જોઈ ખુબ ખુશ થયાં અને તેને બાંધીને એક પાંજરામાં પૂરી દીધો. લગભગ છ  મહિના સુધી એ બાળકોએ એક વાંદરાની માફક રાવણને રાખ્યો અને રોજ વિવિધ પ્રકારનાં નાચ ગાન કરાવતાં. બ્રહ્મર્ષિ પુલસ્ત્ય પોતાનાં વંશજ અને પૌત્રની આવી અવદશા જોઈ દયા આવી અને મહારાજ બલિને મળી રાવણને બંધનમાંથી મુકત કરાવ્યો . આ છ મહિનામાં રાવણને જ્ઞાન થઇ ગયું કે જેનો દ્વારપાળ એટલો શક્તિશાળી છે કે એને હરાવી શકે તો એનો રાજા કેટલો બળવાન હશે. આમ વિચારીને રાવણે  મહારાજ બલિ જોડે મિત્રતા કરી.

હવે રાવણે પૃથ્વી પરનાં રાજાઓને જીતવાની ધૂન જાગી. એક વખતની વાત છે. રાવણ નર્મદા તટ ઉપર શિવજીની સહસ્ત્ર કમળથી પૂજા કરતો હતો. ત્યાંથી થોડે દુર રાજા સહસ્ત્રાર્જુન પોતાની રાણીઓ જોડે વનમાં ક્રીડા કરતો આવી પહોંચ્યો . પોતાની સ્ત્રીઓને પ્રસન્ન કરવા , સહસ્ત્ર બાહુથી એને નર્મદાનો પ્રવાહ રોકી લીધો .  આથી જ્યાં રાવણ પૂજન કરતો હતો ત્યાં પુર આવ્યું અને બધાં કમળ વિમળાઈ ગયાં. રાવણ અતિ ક્રોધિત થઈને સહસ્ત્રબાહુ ઉપર આક્રમણ કર્યું  . સહસ્ત્રબાહુને પોતાનાં ગુરુ દત્તાત્રયનાં અમોઘ આશીર્વાદ હતાં આથી બ્રાહ્મણ સિવાય તેને કોઈ હરાવી શકે એમ ન હતું. સહસ્ત્રબાહુએ તેનાં દસે માથાથી પકડીને પછાડ્યો. અને નામોશી ભરી હાર આપી  ત્યારબાદ એને પોતાની રાજસભામાં ચરણો પાસે  રાવણને બાંધીને બેસાડી દીધો. સહસ્ત્રબાહુની સામે અપજશ થવાથી રાવણને પોતાની અલ્પિત શક્તિનું ભાન થયું અને તેણે કરગરીને માફી માંગી .અનેક ભેટ-સોગાદ અને ખંડણી આપીને રાવણે પોતાને સહસ્ત્રબાહુના સકંજામાંથી મુક્ત કર્યો.

અભિમાની મનુષ્ય કર્મ અને ચર્મ ચક્ષુથી હર હંમેશા આંધળો રહે છે  . રાવણને  પોતાનાં  ઓરમાન ભાઈ ખર અને દૂષણ પાસેથી સમાચાર મળ્યાં હતાં કે વાલિ નામનો એક વાનર જંગલમાં રહે છે જે કિષ્કિંધાનો રાજા છે  .બળમાં એ ઘણો પરાક્રમી છે અને રાક્ષસો પણ તેના જંગલથી દુર રહે છે  . હવે રાવણને ફરી ધૂન ચઢી કે પોતાનું પરાક્રમ આ વાનરને હરાવી જગ જાહેર કરું  . વાલિને બ્રહ્માજીનું વરદાન હતું કે યુદ્ધમાં સામે ચઢીને લઢવા આવે તો તે સામાવાળિયાનું અર્ધું બળ એને પ્રાપ્ત થતું  . જયારે રાવણે એને પડકાર્યો ત્યારે માત્ર બે પળમાં વાલિએ એને હરાવી એક મહિના લાગી બગલમાં દબાવી રાખ્યો હતો  . છેવટે રાવણની પટરાણી મંદોદરી આજીજી કરતી આવી ત્યારે વાલિએ દયાથી એને પોતાના સકંજામાંથી છોડ્યો.

આ સહુ બળવાન યોદ્ધાઓથી હાર માન્યા બાદ રાવણે સમજી લીધું કે હમણાં તેનો સમય નથી પરંતુ એ અભિમાન હતું કે તેણે દેવોને પરાસ્ત કર્યાં છે.

પણ આ સહુ યોદ્ધા જેને રાવણે હરાવ્યા હતાં તે સહુને ભગવાન વિષ્ણુએ અથવા તેમનાં અંશાવતારોએ સંપૂર્ણ નાશ કાર્યોં છે.

ભગવાને વામન અવતાર ધારણ કરી દૈત્યરાજ બલિ પાસે તેનું સર્વસ્વ માંગી લઇ તેને પાતાળમાં મોકલી દીધો. ભગવાને પરશુરામ અવતાર લઈને સહસ્ત્રબાહુ અને તેનાં સમસ્ત વંશનો નાશ કર્યો હતો.

જયારે રામજીએ સીતા સ્વયંવરમાં ભગવાન શંકરનું ધનુષ્યનો ભંગ કર્યો હતો ત્યારે પરશુરામજી અત્યંત ક્રોધિત થઇ આવી પહોચ્યાં તેઓ જ્ઞાની હતાં પરંતુ ભગવાનને ઓળખી નાં શક્યાં. પોતાનાથી કોઈ પરાક્રમી ક્ષત્રિય છે જે ઉદ્દંડ થઇ પોતાનાં આરાધ્ય શિવજીનું ધનુષનો ભંગ કર્યો છે આથી રામજીને દંડ આપવા તૈયાર થયાં. પરંતુ ભગવાને નમ્ર બની પોતાની ઓળખાણ આપી અને પોતે ભૃગુ વંશના દાસ છે એમ કહી જ્યારે પોતાના વક્ષ સ્થળ પરનાં ભૃગુ ઋષિનાં પદનાં ચિહ્ન બતાવ્યાં. આમ છતાં તેમને વિશ્વાસ ના થયો કે ભગવાનનો અવતાર થઇ ચુક્યો છે આથી તેમણે ભગવાનની પરીક્ષા કરવા વિષ્ણુનું ધનુષ શાર્ઙ્ગ રામજીને ધારણ કરી બાણ ચઢાવવા કહ્યું. ભગવાને સ્મિત સાથે જ્યાં એ ધનુષ્યને હાથમાં લેવા આગળ આવ્યાં ત્યાં તો એ ધનુષ્ય પોતાનાં સ્વામી પાસે આપોઆપ આવી ગયું અને ભગવાને પોતાનાં અક્ષય બાણનાં ભાથામાંથી રામ બાણ ચઢાવ્યું. પરશુરામજી ગદગદ થઇ ગયાં અને ભગવાનની ક્ષમા માંગી. તેમને એ પણ જ્ઞાન થયું કે તેમનો પરાક્રમી સમય પૂરો થઇ ચુક્યો છે. ભગવાને કહ્યું તેમનું બાણ કયારે વ્યર્થ નથી જતું આથી પરશુરામજી પાસે આજ્ઞા માંગી કે આ બાણ તે કઈ દિશામાં છોડે . પરશુરામજીએ રામજીને એ બાણ પોતાની દિવ્ય શક્તિનો નાશ કરી એમને મહેન્દ્ર પર્વત પર પહોચાડવાની વિનંતી કરી . આમ પરશુરામજીનો પરાજય થયો .

પ્રભુએ વાલિને એક બાણ મારી એનો નાશ કર્યો હતો . આથી પ્રભુએ સહુ મહાન યોદ્ધાઓ , જેનાથી રાવણનો પરાજય થયો હતો , એ સહુનો નાશ કર્યો હતો.

વિચાર કરી જુઓ ભગવાન એક તપસ્વીનાં રૂપમાં , વાનર અને રીંછની મદદથી , સમસ્ત રાક્ષસ કુળનો નાશ કર્યો હતો. અહી સમજવાનું એ છે કે જો રાવણની દ્રષ્ટીએ વિચાર કરી જોઇયે તો ભગવાન રામ બાહ્ય દ્રષ્ટીએ એક સાધારણ અને નિર્બળ મનુષ્ય લાગે. રાવણનું પાંડિત્ય , શક્તિ , સંપત્તિ , સામર્થ્ય , પરિવાર અને સમાજનો માત્ર એનાં અહમને કારણે સર્વનાશ સર્જ્યો . મહાભારતમાં દુર્યોધન પાસે અઢાર અક્ષૌહિણીની સેના હતી , ભીષ્મ, દ્રૌણ અને કર્ણ જેવાં મહારથી (એકલો દશ હજાર યોદ્ધાઓ સામે લડી શકે તેવો પરાક્રમી લડવૈયો ) જેવા સાથી હતાં છતાં દુર્યોધનને મન પાંચ પાંડવો અને તેમની પંદર અક્ષૌહિણીની સેના કંઈ ન હતી તે છતાં હાર્યો હતો. સિકંદર , હિટલર , આ સહુ ક્રૂર , અહંકારી અને શક્તિશાળી હતાં , પણ તે સહુનો વિનાશ થયો. આથી વિધાતા કેવા રૂપમાં , અને કેવી શક્તિમાં તમારાં સામર્થ્યનો નાશ કરે છે તે કહેવું , સમજવું અને જાણવું અશક્ય છે પણ એ નક્કી છે કે તમારાં અહંકારનો નાશ જરૂરથી કરે છે.

આ સંસારમાં કોઈ શક્તિશાળી નથી. જે ધન , પ્રતિષ્ઠા , શક્તિ પર આપણે ગર્વ કરી ફરીએ છે એ તો કાળનાં ચક્રમાં બહુ થોડાં વર્ષો છે. કયારેક વિચાર કરી જુઓ જાપાનમાં આવેલા ધરતીકંપ અને સુનામીને થયેલો ભયંકર વિનાશ જોશો તો ખ્યાલ આવશે કે કુદરતની શક્તિ કેટલી અગમ્ય છે કે ઘડીના છટ્ટા ભાગમાં જે આપણે “પોતાની” ઘણીએ છીએ તે દરેક વસ્તુ નાશ પામે છે. ઘર,ગાડી, સગા-સંબંધી, જમીન, ધન બધું પળભરમાં સાફ થઇ જાય છે. જે લોકો ગઈ કાલે જયારે બે હાથેથી ભોજન આરોગતા હતા અને તેનો બગાડ કરતા હતા તેઓ આજે બે ટંક ખાવા માટે ફાંફાં મારે છે.

આથી અહમ નો ત્યાગ કરો , નમ્ર બનો , સહુને માનથી બોલાવો , વ્યવહારમાં વિનયી બનો. આપણે બે બદામનાં માણસો છીએ અને એક પળમાં કોણ આપણાથી બધું લઇ જતો રહેશે તેનું ભાન કે જ્ઞાન પણ નહિ રહે.

%d bloggers like this: