Archive for the ‘શલ્ય પર્વ’ Tag

ભક્તોના અભિમાનનો ભંગ (૧): અર્જુન

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું . દુર્યોધન અને તેની સેનાનો નાશ થયો હતો . ત્યારની આ કથા છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો , દુર્યોધનની છાવણી પર આવે છે . ત્યાં ભગવાન કેશવ કહે છે:

अवरोपय गाण्डीवमक्षयौ च महेषुधी।
अथाहमवरोक्ष्यामि पश्चाद्भरतसत्तम।
स्वयं चैवावरोह त्वमेतच्छ्रेयस्तवानघ।।

— મહાભારત , શલ્ય પર્વ , અધ્યાય ૬૩
“હે અર્જુન તું સ્વંય આ રથ પરથી ઉતર અને ત્યાર બાદ તેમાંથી આ અક્ષય તરકસ અને ગાંડીવ ધનુષ ઉતારી લો. ત્યાર બાદ હું આ રથ પરથી ઉતરીશ. આ જે હું તને કરવા કહું છું એ તારા ભલા માટે છે”

અર્જુનને કેશવની આ વાત યોગ્ય ના લાગી .  યુદ્ધનાં નિયમ પ્રમાણે સારથિ સહુ પ્રથમ રથને છોડે  છે ત્યાર બાદ ધનુર્ધારી રથ ઉપરથી ઉતરે છે . આથી અર્જુનને નાનમ આવી . તદુપરાંત  તેનામાં એક ગુપ્ત અહંકાર ઘર કરી ગયો હતો કે તેના ગાંડીવનાં બળ ઉપર આ યુદ્ધ જીતી શક્યા છે . ભીષ્મ પિતામહ, કર્ણ અને આચાર્ય દ્રોણ જેવા અનેક મહાબળીને તેણે પરાસ્ત કર્યાં  છે . ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જાણી ગયા અને પોતાના ભક્તનો અહંકાર સાખી ના શકયા . અર્જુનને યોગ્ય બોધ આપવા તેમણે  આ પ્રમાણે કરવા કહ્યું

तच्चाकरोत्तथा वीरः पाण्डुपुत्रो धनञ्जयः।।

મને-કમને , અર્જુન આ વાત માની અને એ પ્રમાણે કર્યું .

अथ पश्चात्ततः कृष्णो रश्मीनुत्सृज्य वाजिनाम्।
अवारोहत मेधावी रथाद्गाण्डीवधन्वनः।।

ત્યાર બાદ ભગવાને ઘોડાઓની લાગામ છોડી દીધી . અને સ્વંય રથ પરથી ઉતરી ગયાં

अथावतीर्णे भूतानामीश्वरे सुमहात्मनि।
कपिरप्याश्वपाक्रामत्सहदेवैर्ध्वजालयैः।।

ભગવાન શ્રી કૃષ્ણ જે, સર્વ દેહધારીઓના ઈશ્વર છે તે જ્યારે આ રથ પરથી ઉતર્યા કે તરત જ રથ ઉપર બેઠેલા દિવ્ય કપિ શ્રી હનુમાનજી અંતર્ધાન થઇ ગયા . આ જોઈ અર્જુનનાં મનમાં કૌતુક થયું પણ તે શાંત ત્યાં ઉભા રહ્યાં.

स दग्धो द्रोणकर्णाभ्यां दिव्यैरस्त्रैर्महारथः।
अथ दीप्तोऽग्निना ह्याशु प्रजज्वाल महीपते।।
सोपासङ्गः सरश्मिश्च साश्वः सयुगबन्धनः।
भस्मीभूतोऽपतद्भूमौ रथो गाण्डीवधन्वनः।।

એ રથ જે દ્રોણાચાર્ય  અને કર્ણના દિવ્યાસ્ત્રોથી દગ્ધ (બળી ગયેલો) પહેલેથી નાશ પામ્યો હતો તે વિના કોઈ અગ્નિ વગર પ્રજ્વલ્લિત થઇ ઉઠ્યો . તેના સર્વ ઉપકરણ, કરામત, ઘૂંસરી (ધુરા) , ધરી ( આકાર), ઘોડા અને લગામ સર્વ બળીને ભસ્મ થઇ ગયાં .

तं तथा भस्मभूतं तु दृष्ट्वा पाण्डुसुताः प्रभो।
अभवन्विस्मिता राजन्नर्जुनश्चेदमब्रवीत्।।

આખો રથ ક્ષણ ભરમાં ભસ્મીભૂત થઇ રાખનો ઢગલો  બની ત્યાં પડ્યો . આ ઘટના જોઈ સર્વ પાંડવો હેરાન થયા અને અર્જુન તો અત્યંત  આશ્ચર્યચકિત થઇ ગયો .

कृताञ्जलिः सप्रणयं प्रणिपत्याभिवाद्य ह।
गोवन्द कस्माद्भगवन्रथो दग्धोऽयमग्निना।।
किमेतन्महदाश्चर्यमभवद्यदुनन्दन।
तन्मे ब्रूहि महाबाहो श्रोतव्यं यदि मन्यसे।।

અર્જુન બે હાથ જોડી ભગવાન સામે વિનતી  કરી પૂછ્યું “હે ગોવિંદ , આ કેવી અદભુત ઘટના બની, આ રથ આમ અચાનક કેવી રીતે બળીને રાખ થઇ ગયો . જો આનું કારણ સાંભળવામાં યોગ્ય હોય તો તમે મને કૃપા કરીને જણાવો .”

द्रोणकर्णास्त्रनिर्दग्धः पूर्वमेवायमर्जुन।
मदास्थितत्वात्समरे न विशीर्णः परन्तप।।
इदानीं तु विशीर्णोऽयं दग्धो ब्रह्मास्त्रतेजसा।
मया विमुक्तः कौन्तेय त्वय्यद्य कृतकर्मणि।।

વાસુદેવ  હસતાં  તેનું કારણ સમજાવતા કહ્યું ” યુદ્ધમાં અનેક પ્રકારનાં અસ્ત્રો, શસ્ત્રો, આયુધ અને દિવ્યાસ્ત્રોનાં મારથી આ રથ કયારનો નાશ પામ્યો હતો . પણ મારા એના પર બેસવાથી એનો નાશ થયો ના હતો . હે અર્જુન  , જ્યારે તારા સર્વ કાર્યો પુરા થયા ત્યારે મેં આ રથનો ત્યાગ કર્યો અને તે ભસ્મ થઇ ગયો . આ રથ બ્રહ્માસ્ત્રના તેજથી સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ચુક્યો  હતો. ”

“તારા ધ્યાનમાં તો  એ આવ્યું જ હશે કે આ રથ ઉપર એક કપિ બિરાજમાન હતો . તે સ્વયં હનુમાનજી હતાં . જેમને બ્રહ્માજીનું વરદાન હતું કે દેવ , દાનવ કે માનવના બનાવેલ કોઈ પણ પ્રકારના શસ્ત્રો તેમને કોઈ પણ રીતે અને સંજોગોમાં આંચ નહી પહોચાડી શકે . આથી આ રથને તેમની સુરક્ષાની હુફ હતી . જેવો મેં આ રથનો ત્યાગ કર્યો તેવા જ તે અદૃશ્ય થયા અને આ રથનું એ કવચ નીકળી ગયું અને ત્યાર બાદની ઘટના તારી સમક્ષ છે .”

અર્જુન આભો બની ગયો . ભગવાનની આવી કૃપા પોતાના પર છે તે જાણી ગળગળો  થઇ ગયો . પોતાનું એ અભિમાન તરત ઉતરી ગયું અને કેશવની માફી માંગી તથા મનોમન શ્રી હનુમાનજીને વંદન કર્યાં .

%d bloggers like this: