Archive for the ‘શ્રી રામ’ Tag

પૌરાણિક દ્રષ્ટાંત કથા – દુર્વાસાની કૃષ્ણ પરીક્ષા

મહાભારતનું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું , રોજ અનેક કોટી યોદ્ધાઓનો નાશ થતો હતો , એ સાથે અનેક સારથીઓનો પણ કચ્ચરઘાણ વળી જતો હતો પણ અર્જુનનાં સારથી ભગવાન શ્રી કૃષ્ણને ઊની આંચ પણ આવતી ના હતી . દ્રૌણ , ભીષ્મ જેવા દિગ્ગજોના તીક્ષ્ણ અને દિવ્ય બાણ એમનું કાંઈ બગાડી શકતાં ન હતાં. પણ સાથે એ પણ જાણવું જરૂરી છે કે “જરા” નામનાં એક પારધીનું સામાન્ય બાણ એમનાં મૃત્યુનું નિમિત્ત બને છે જે અતિ આશ્ચર્યની વાત છે.

આ પ્રસંગમાં ભગવાને મેળવેલાં એક વરદાનની કથા છે . ભગવાન શ્રી કૃષ્ણ પોતાનાં પુત્ર પ્રદ્યુમ્નને બ્રાહ્મણોની સેવા કરવાથી કેવા ઉત્તમ ફળ મળે છે એની કથા સમજાવતાં કહે છે

अवसन्मद्गृहे तात ब्राह्मणो हरिपिङ्गलः।
चीरवासा बिल्वदण्डी दीर्घश्मश्रुः कृशो महान्।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – એક સમયની વાત છે , મારે ઘેર એક હરિત (લીલા) અને પિંગળ (લાલાશ પડતાં પીળા) વર્ણ વાળા બ્રાહ્મણ આવીને રહયા. તેઓ ચીથડાં કપડા પહેરતાં અને હાથમાં બળદને મારવાનો દંડ રાખતાં . તેમની દાઢી અને મૂછ ઘણાં વધેલા હતાં .દેખાવમાં દૂબળા , પાતળા અને કદમાં ઊંચા હતાં .

इमां गाथां गायमानश्चत्वरेषु सभासु च।
दुर्वाससं वासयेत्को ब्राह्मणं सत्कृतं गृहे।।

रोषणः सर्वभूतानां सूक्ष्मेऽप्यपकृते कृते।
परिभाषां च मे श्रुत्वा को नु दद्यात्प्रतिश्रयम्।।

यो मां कश्चिद्वासयीत न स मां कोपयेदिति।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – તેઓ પધાર્યા તે પહેલા ધર્મ શાળા અને ચાર રસ્તા પર આવીને એમ કહેતાં ફરતાં હતા કે ” કોણ મને , દુર્વાસા બ્રાહ્મણને , પોતાના ઘરમાં સત્કાર પૂર્વક રાખશે ? જો કોઈથી મારી સેવામાં જરા સરખો અપરાધ થશે તો હું એનાં સમસ્ત પરિવાર પાર અત્યંત ક્રોધિત થઇ જાઈશ , આ સાંભળીને કોણ મને પોતાનાં ઘરમાં રાખશે અને મને ક્રોધ નહિ કરાવાની બાબત પર સતત સાવધાન રહેશે ?”

यस्मान्नाद्रियते कश्चित्ततोऽहं समवासयम्।।

स सम्भुङ्क्ते सहस्राणां बहूनामन्नमेकदा।
एकदा सोल्पकं भुङ्क्ते नचैवैति पुनर्गृहान्।।

अकस्माच्च प्रहसति तथाऽकस्मात्प्ररोदिति।
न चास्य वयसा तुल्यः पृथिव्यामभवत्तदा।।

अथ स्वावसथं गत्वा सशय्यास्तरणानि च।
अदहत्स महातेजास्ततश्चाभ्यपतत्स्वयम्।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – જયારે કોઈએ એમને આદર ના આપ્યો ત્યારે મેં એમને મારા ઘરમાં નિવાસ આપ્યો. એ કયારેક એટલું ભોજન કરતાં કે અનેક હજાર મનુષ્ય તૃપ્ત થઇ જતાં . ને કયારેક બહુ ઓછું અન્ન ખાઈને ઘરેથી નીકળતાં અને પાછા એ દિવસે ઘરે આવતાં નહીં. ક્યારેક અકસ્માતથી જોર જોરથી હસી પડતાં અને ક્યારેક અચાનક ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં . એ સમયે પૃથ્વી પર એમનું સમવયસ્ક કોઈ ન હતું . ક્યારેક અકસ્માતથી જોર જોરથી હસી પડતાં અને ક્યારેક અચાનક ધ્રુસકે ધ્રુસકે રડી પડતાં . એ સમયે પૃથ્વી પર એમનું સમવયસ્ક કોઈ ન હતું . એક વખત એમને જે સ્થાન પર નિવાસ આપ્યો હતો ત્યાં બિછાવેલી શૈયા , સુશોભિત અલંકૃતથી સજ્જ દાસીઓને ભસ્મ કરી ત્યાંથી નીકળી ગયા

अथ मामब्रवीद्भूयः स मुनिः संशितव्रतः।
कृष्ण पायसमिच्छामि भोक्तुमित्येव सत्वरः।।

तदैव तु मया तस्य चित्तज्ञेन गृहे जनः।
सर्वाण्यन्नानि पानानि भक्ष्याश्चोच्चावचास्तथा।।

तं भुक्त्वैव स तु क्षिप्रं ततो वचनमब्रवीत्।
क्षिप्रमङ्गानि लिम्पस्व पायसेनेति स स्म ह।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – અને ત્યાંથી મારી પાસે આવીને , કઠોર વ્રતનું પાલન કરતાં એ ઋષિએ કહ્યું “હે કૃષ્ણ મને અત્યંત જલ્દી ખીર ખાવાની ઈચ્છા થઇ છે “. ભગવાનને એમની ઈચ્છાનું પહેલેથી જ્ઞાન હતું આથી એમણે ઘરમાં પહેલેથી ઉત્તમ અને મધ્યમ ભોજન બનાવની સૂચના આપી હતી. થોડી ખીર ખાઈને દુર્વાસા મુનિએ આજ્ઞા કરી “કૃષ્ણ આ ખીર તમે તમારા આખા શરીર પર લગાવો”

अविमृश्यैव च ततः कृतवानस्मि तत्तथा।
तेनोच्छिष्टेन गात्राणि शरीरं च समालिपम्।।

स ददर्श तदाऽभ्याशे मातरं ते शुभाननाम्।
तामपि स्मयमानां स पायसेनाभ्यलेपयत्।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – ભગવાને વગર વિચારે તેમેની આજ્ઞાનું પાલન કર્યું અને એ એંઠી ખીર આખા શરીર પર લગાવી ( ભગવાને પોતાનાં પગ સિવાય શરીરનાં બધાં અંગ પર લગાવી. ધર્મ કહે છે અન્નનો ક્યારે તિરસ્કાર ના કરાય આથી ભગવાને પોતાનાં ચરણનાં તળિયા પર ના લગાવી ). આ જોઈને રુક્મિણી મંદ મંદ હાસ્ય કરવા માંડી , આથી મુનિએ રુક્મિણીનાં આખા શરીર પર લગાવાની આજ્ઞા આપી – જે ભગવાને તુરંત અમલમાં મૂકી.

मुनिः पायसदिग्धाङ्गीं रथे तूर्णमयोजयत्।
तमारुद्य रथं चैव निर्ययौ स गृहान्मम।।

अग्निवर्णो ज्वलन्धीमान्स द्विजो रथधुर्यवत्।
प्रतोदेनातुदद्बालां रुक्मिणीं मम पश्यतः।।

तस्मिन्व्रजति दुर्धर्षे प्रास्खलद्रुक्मिणी पथि।
अमर्षयंस्तथा श्रीमान्स्मितपूर्वमचोदयम्।।

ततः परमसंक्रुद्धो रथात्प्रस्कन्द्य स द्विजः।
पदातिरुत्पथेनैव प्राद्रवद्दक्षिणामुखः।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૫૯

અર્થાત – ત્યાર બાદ મુનિએ અમને રથમાં જોડવાની આજ્ઞા કરી અને તેઓ એ રથ પર બેસીને ઘરેથી નિકળ્યાં. એ બુદ્ધિમાન બ્રાહ્મણ દુર્વાસા પોતાનાં તેજથી અગ્નિ સમાન પ્રકાશિત થઇ રહયાં હતા અને જેમ રથમાં જોડાયેલા ઘોડાને ચાબુક મારે એ પ્રમાણે તે મુનિ રુક્મિણીને ચાબુક ફટકારવાનું શરુ કર્યું . આમ યાત્રા કરતાં રુક્મિણી રસ્તામાં લથડાઈને પડી ગઈ જેથી એ મુનિ અતિ ક્રોધિત થઈને ચાબુક મારવાનું ફરી શરુ કર્યું અને ત્યાર બાદ પરમ કુપિત થઈને રથમાંથી કૂદી પડયાં અને દક્ષિણ દિશામાં ભાગવા માંડયા.

तमुत्पथेन धावन्तमन्वधावं द्विजोत्तमम्।
तथैव पायसादिग्धः प्रसीद भगवन्निति।।

અર્થાત – આ પ્રમાણે રસ્તા વગર દોડી રહેલા વિપ્રવર દુર્વાસાની પાછળ ભગવાન એ ખીર વાળા શરીર સાથે દોડવા માંડયા અને વિનંતી કરવા લાગ્યા “ભગવાન પ્રસન્ન થાઓ” (આ લીલામાં ભગવાન એવું દેખાડે છે કે એમને ડર હતો ક્રોધિત થઈને દુર્વાસા પોતાનાં કુળને શ્રાપ ના આપી દે)

ततो विलोक्य तेजस्वी ब्राह्मणो मामुवाच ह।
जितः क्रोधस्त्वया कृष्ण प्रकृत्यैव महाभुज।।

न तेऽपराधमिह वै दृष्टवानस्मि सुव्रत।
प्रीतोस्मि तव गोविन्द वृणु कामान्यथेप्सितान्।।

અર્થાત – દુર્વાસા મુનિ પ્રસન્ન થઈને કહે છે ” મહાબાહુ શ્રી કૃષ્ણ , તમે સ્વભાવથી ક્રોધને જીતી લીધો છે. ઉત્તમ વ્રતધારી ગોવિંદ , મેં તમારો કોઈ અપરાધ (મારી સેવામાં) નથી જોયો. આથી હું તમારા પર પ્રસન્ન છું અને તમને મન વાંછિત કામનાઓ માંગવા કહું છું”

प्रसन्नस्य च मे तात पश्य व्युष्टिं यथाविधाम्।।
यावदेव मनुष्याणामन्ने भावो भविष्यति।
यथैवान्ने तथा तेषां त्वयि भावो भविष्यति।।

यावच्च पुण्या लोकेषु त्वयि कीर्तिर्भविष्यति।
त्रिषु लोकेषु तावच्च वैशिष्ट्यं प्रतिपत्स्यसे।
सुप्रियः सर्वलोकस्य भविष्यसि जनार्दन।।

यत्ते भिन्नं च दग्धं च यच्च किञ्चिद्विनाशितम्।
सर्वं तथैव द्रष्टासि विशिष्टं जनार्दन।।

यावदेतत्प्रलिप्तं ते गात्रेषु मधुसूदन।
अतो मृत्युभयं नास्ति यावदिच्छसि चाच्युत।।

અર્થાત – તાત, મારા પ્રસન્ન થવાથી જે ભાવિ ફળ છે તે વિધિ પૂર્વક સાંભળો. જયાં લગી દેવતા અને મનુષ્યને અન્ન પ્રતિ પ્રેમ રહેશે , જેવી અન્નમાં પ્રીતિ અને આકર્ષણ રહેશે , એવી તમારામાં પ્રતિ બની રહેશે. જયાં લગી ત્રણે લોકમાં તમારી પુણ્યકીર્તિ બની રહેશે ત્યાં સુધી ત્રિભુવનમાં તમે પ્રધાન બની રહેશો. જનાર્દન, દરેક લોકમાં તમે સદા પ્રિય રહેશો. તમારી જે જે વસ્તુ મેં તોડી, ફોડી, બાળી કે નષ્ટ કરી છે તે પહેલાની જેમ યથાવત થશે અથવા એના કરતા વધુ સારી અવસ્થામાં સુરક્ષિત દેખાશે. તમે અંગોમાં જ્યાં સુધી ખીર લગાવી છે ત્યાં સુધી તમારા એ અંગો પાર ઘા થવાથી (કોઇ પણ પ્રકારનાં અસ્ત્ર , શસ્ત્ર વડે ) તમારું મૃત્યુ નહીં થાય . અચ્યુત , તમે જયાં સુધી ઇચ્છશો ત્યાં લગી અમર બની આ લોકમાં જીવશો

न तु पादतले लिप्ते तस्मात्ते मृत्युरत्र वै।

અર્થાત – પરંતુ તમે પગનાં તળિયામાં (ખીર) કેમ ના લગાવી ?

આથી શ્રી કૃષ્ણ દુર્વાસા મુનિનાં વરદાનથી સુરક્ષિત થઇ ગયાં અને મહાભારતનાં ભયાનક યુદ્ધમાં એમને ઊની આંચ પણ ના આવી. પણ એક સામાન્ય પારધીનાં બાણ વડે કાળનું આવરણ કરી પોતાનું એ અનિત્ય શરીરનો ત્યાગ કર્યો. સંતો કહે છે કે આ “જરા” પારધી પૂર્વ જન્મમાં વાલિ વાનર હતો જેને ભગવાન શ્રી રામે એક વૃક્ષની પાછળ ઉભા રહી બાણ માર્યું હતું. કર્મના સિદ્ધાંતને અટલ રાખવા ભગવાને એ કર્મનું ફળ આ જન્મમાં ભોગવ્યું.

રુક્મિણીને પણ શ્રેષ્ઠ વરદાન આપી દુર્વાસા મુનિ ત્યાંથી અંતર્ધ્યાન થઇ ગયાં

%d bloggers like this: