Archive for the ‘સંત કથા’ Tag

સંત કથા – પંડિત વ્રજનારાયણ ચરિત્ર પ્રસંગ – ગેસુ મેરે ઘનશ્યામ કે

પંડિત વ્રજનારાયણ સંસ્કૃત , હિન્દી અને ઉર્દૂ – ત્રણેય ભાષાનાં વિદ્વાન હતાં તેઓ એક મુસ્લિમ સુબેદારને ત્યાં નોકરી કરતાં હતાં. તેઓ કૃષ્ણ ભગવાનનાં ઉત્કૃષ્ટ ભક્ત હતાં. દરબારમાં તેમની વિદ્વત્તાને લીધે સુબેદારને તેમનાં પ્રત્યે ઘણું માન હતું . પરંતુ બીજા દરબારી જે મુસ્લિમ હતાં તેમને બહુ ઈર્ષા રહેતી અને કોઈ બહાને પંડિતજીને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતાં રેહતા , પરંતુ જેને રામ રાખે તેને કોણ હેરાન કરી શકે.

એક દિવસ કોઈ રસિયાએ સુબેદારને એક પંક્તિ કહી સંભળાવી

“દરઅસલ કાફિર હૈ વો , જો કાયિલ નહિ ઇસ્લામ કે”

અર્થાત : જે ઇસ્લામના ઉપાસક નથી તે ખરેખર નાસ્તિક છે

અને કહ્યું કે આ પંક્તિ ઉત્તમ છે અને એનાથી અદભુત કોઈ કડી બની જ ન શકે , પણ જો કોઈ આ પંક્તિને વાપરીને આનાથી પણ સુંદર રચના કરે તો અમે માનીએ કે આપણાથી પણ ચઢિયાતો ધર્મનો કોઈ ઉપાસક છે .

આ સાંભળી વ્રજનારાયણજી થોડાં સમસમી ગયાં. પંડિતજીએ એ પડકાર ઝીલી લીધો. તેમણે સુબેદારને કહ્યું કે તે કાલ સુધી આ પંક્તિનો જવાબ આપીશ અથવા આખી જિંદગી તમારા ધર્મને ઉચ્ચ માનીશ.

પંડિતજીને ભગવાનમાં દ્રઢ ભરોસો હતો આથી બહુ વિચારનાં વમળમાં ના પડયા. આખો દિવસ ભગવદ કાર્યમાં લીન રહ્યાં. બીજા દિવસે સવારે ભગવાનની સેવા કરતાં પ્રભુને વિનંતી કરી કે “હું જે છું તે આપની કૃપાથી છું. મારી બુદ્ધિ આપની શરણમાં છે. બસ આવી ભક્તિની તન્મયતા જીવનમાં હર હંમેશ કાયમ રહે.”

એમણે ઠાકોરજી સમક્ષ પોતે ઝીલેલા પડકાર વિષે કોઈ વિશેષ અરજી કે આજીજી ના કરી અને પ્રભુનું મનમાં સ્મરણ કરતાં તેઓ દરબારમાં પહોચ્યાં. વ્રજનારાયણજી એકદમ શાંત અને નિર્લેપતાથી દરબારમાં બેઠાં અને સુબેદારની રાહ જોવા લાગ્યાં. આજે દરબારમાં ખાસી ભીડ હતી. સહુને એ ઉત્કંઠા હતી કે પંડિતજી શો જવાબ આપે છે.

સુબેદારે આવીને મૂછે તા-તાલ-તાવ દેતા પંડિતજી તરફ વળીને બોલ્યાં


“દરઅસલ કાફિર હૈ વો , જો કાયિલ નહિ ઇસ્લામ કે”

હવે આગળની પંક્તિ જણાવો અને પંડિતજીને અંત:સ્ફુરણા થઇ :

“લામ કે માનિન્દ હૈ ગેસુ મેરે ઘનશ્યામ કે ,
દરઅસલ કાફિર હૈ વો , જો કાયિલ નહિ ઇસ લામ કે

ઉર્દૂ (ફારસી) ભાષામાં “લામ” શબ્દનો અર્થ થાય વાંકડિયા કે ઘુઘરીયાળા વાળ. અને એમણે “ઇસ્લામ” શબ્દનો વિગ્રહ (ઇસ + લામ )કરી વાતને નવું જ પરિમાણ આપ્યું.

અર્થાત : મારા ઘનશ્યામનાં વાળ સુંદર વાંકડિયા છે ખરેખર તો આ સુંદર વાળનો જે ઉપાસક નથી તે નાસ્તિક છે.

આ સાંભળી આખી સભા છક્ક થઇ ગઈ. આટલી સુંદર અને અનોખી રચના માટે પંડિતને માટે ઘણું માન ઉપજ્યું.

ભગવાન પોતાનાં ભકતની હાર સહન કરી શકતાં નથી. આથી હંમેશા તેમનાં હૃદયમાં સ્થાન જમાવીને એમની સતત રક્ષા કરતાં રહે છે.

— શ્રીમદ ભાગવાતામૃત