Archive for the ‘દૈવ’ Tag

જાણવા જેવું : વિવાહના પ્રકાર

વિષ્ણુ પુરાણમાં જણાવ્યું છે કે વિવાહના મુખ્ય ૮ પ્રકાર છે:

ब्राह्मो देवस्तथैवार्षः प्राजापत्यस्तथासुरः ।
गान्धर्वराक्षसौ चान्यौ पैशाचश्चाष्टमो मतः ॥२४॥
— श्रीविष्णुपुराण – तृतीय अंश – अध्याय १०

(૧) બ્રાહ્મ: તેમાં વરનું કુળ, શીલ, વિદ્વત્તા, આચરણ, આરોગ્ય વગેરે જોઈને પોતાની કન્યા માટે તે સર્વ રીતે યોગ્ય પતિ છે એવું જણાઈ આવે તો તેને સુમુહૂર્ત ઉપર કન્યા અર્પણ કરવામાં આવતી. (દેવહૂતી અને કર્દમ     ઋષિનો વિવાહ) આ વિવાહને લીધે ઉત્પન્ન થયેલા ધર્માચારી પુત્ર આગલી દસ પેઢી અને પાછલી દસ પેઢી અને પોતાનું ગણી એમ કુળ ૨૧ પેઢીનો ઉદ્ધાર કરે છે.

(૨) દૈવ: તેમાં યજ્ઞને વખતે યજમાન પોતાની કન્યા પુરોહિતને આપતો. અશ્વમેધ જેવા યજ્ઞ કરવાને જ્યારે રાજા પોતાની પુત્રી બ્રાહ્મણને આપતો, ત્યારે આ પ્રકારનો વિવાહ પ્રચલિત હતો. આ વિવાહને લીધે ઉત્પન્ન થયેલા ધર્માચારી પુત્ર આગલી સાત પેઢી અને પાછલી સાત પેઢી  એમ કુળ ૧૪ પેઢીનો ઉદ્ધાર કરે છે.

(૩) આર્ષ: ઋષિઓની પરંપરાથી થતો વિવાહ , તેમાં વર પાસેથી બે ગાયો લઇને કન્યા આપવામાં આવતી. આ એક પ્રકારનો કન્યાવિક્રય હોવાને લીધે આ પદ્ધતિને દોષિત ઠરાવેલ છે. આ વિવાહને લીધે ઉત્પન્ન થયેલા ધર્માચારી પુત્ર આગલી ત્રણ પેઢી અને પાછલી ત્રણ પેઢી એમ કુળ ૬  પેઢીનો ઉદ્ધાર કરે છે.

(૪) પ્રાજાપત્ય: આ વિધિમાં કન્યાનો પિતા વર પાસેથી કાંઈ પણ લીધા વિના, બંને ધર્મપૂર્વક આચરણ કરી સુખી થાય એ ઇચ્છાથી જ, કન્યા આપે છે. આ વિવાહને લીધે ઉત્પન્ન થયેલા ધર્માચારી પુત્ર આગલી છ  પેઢી અને પાછલી છ પેઢી અને એમ કુળ ૧૨  પેઢીનો ઉદ્ધાર કરે છે.

શાસ્ત્રો મુજબ ઉપરોકત્ત ચાર વિવાહ વિવાહ શુભ અને કલ્યાણ નીવડે છે.  અને આ સંબધથી ઉત્પન્ન થયેલા પુત્રો બ્રહ્મતેજથી સંપન્ન , શીલવાન, રૂપ અને સત્ય આદિ ગુણોથી યુકત , ધનવાન , પુત્રવાન  , યશસ્વી, ધર્મિષ્ઠ, અને દીર્ઘજીવી હોય છે.

(૫) આસુરી: આ વિવાહમાં કન્યના માબાપને શુલ્ક અથવા કન્યાનું મૂલ્ય આપવું પડતું. કૈકેયીનો દશરથ સાથે અને માદ્રીનો પાંડુ સાથે આ પદ્ધતિથી વિવાહ થયો હતો

(૬) ગાંધર્વ: આ વિવાહમાં ઉપવર કન્યા પોતાનાં વડીલોને ન જણાવતાં પોતાને પસંદ એવા પુરુષ સાથે લગ્ન કરતી. દુષ્યંત ને શકુંતલા.

(૭) રાક્ષસ: એ વિવાહપદ્ધતિ બહુ ભયંકર હતી. કન્યાનું હરણ બળજોરીથી કરવામાં આવતું. કન્યાના ભાઈઓની ઇચ્છા વિરુદ્ધ તેને બળાત્કારથી લઈ જતા. કૃષ્ણે રુકમણીનું અને વિચિત્રવીર્યને માટે ભીષ્મે પણ અંબિકા અને અંબાલિકાનું હરણ રાક્ષસ વિવાહ પદ્ધતિથી જ કર્યું હતું

(૮) પૈશાચ: આ વિવાહમાં કન્યા નિદ્રામાં અથવા મૂર્છિત હોય ત્યારે તેને લઈ જવામાં આવતી.

છેલ્લા ચાર પ્રકારના વિવાહ શાસ્ત્રોમાં હંમેશા નિષેધ છે. જે મોટા ભાગે કસમય અને વિપરીત સંજોગમાં થાય છે.  અને આ સંબધથી ઉત્પન્ન થયેલા પુત્રો ધર્મદ્વેષી , ક્રૂર સ્વભાવ, અને મિથ્યાવાદી   હોય છે.

વિવાહ સંબંધ ત્રણ પ્રકારના છે: નીચ કુળ, સમાન કુળ અને ઉત્તમ કુળ.

નીચ કુળમાં સંબંધ બાંધવાથી નિંદા થાય છે. ઉત્તમ  કુળમાં સંબંધ બાંધવાથી અનાદર થાય છે.  આથી સમાન  કુળમાં સંબંધ બાંધવો યથાયોગ્ય છે, જ્યાં કુળ , શીલ , વિદ્યા અને ધન સમાન હોય છે, જેમાં સ્નેહની પ્રતિદિન અભિવૃદ્ધિ થાય છે, અને વિપત્તિ સમયમાં પ્રાણ આપવામાં વિચાર નથી કરાતો.