Archive for the ‘કથા’ Category

ટૂંકી બોધ કથા (૧૧) – કડવું સત્ય

એક દ્રષ્ટાંત કથા રજુ કરું છું

એક સાધુ નદી કિનારે પત્થરનું ઓશીકું બનાવી સૂતો હતો. ત્યાંથી પનિહારીઓ નીકળી.
એમણે સાધુને જોયો અને એમાંથી એક જણે ટકોર મારી “સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થર નું તો પથ્થર નું પણ ઓશીકું જોઈએ.”

સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો ત્યારે બીજીએ ટકોર મારી “સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો.”

સાધુ વિચારે કે હવે શું કરવું ?

ત્યાં ત્રીજી બોલી “મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો.”

પરંતુ ચોથી એ સાચી વાત કરી. “કે મહારાજ તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકો ની વાત માં ધ્યાન ન આપત”

આ કડવું સત્ય સંસારીઓ માટે પણ છે. લોકો આપણું અપમાન કરવા, નિંદા કરવા, દ્વેષ કરવા, અને ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે. સંસારમાં બીજાની ચઢતીમાં લોકો બોલે છે અને પડતીમાં પણ સંભળાવે છે

ઊંચે જોઈને ચાલો તો કહે અભિમાની છે
નીચું જોઈને ચાલો તો કહે કોઈ સામે જોતો નથી
આંખ બંધ રાખી બેસો તો કહે દુનિયા સાથે લેવા દેવા નથી
બધે જોયા રાખો તો કહે ચકાળ વકાળ જોયા રાખે છે
આંખ ફોડી નાખો તો કહે કર્મો ની સજા ભોગવી.

લોકો ને તમે પહોંચી શકતાં નથી. બસ સારા કર્મ કર્યે જાવ.પ્રભુ સ્મરણ કરતા રહો .

– અજ્ઞાત